રાજકોટ

રાજકોટવાસીઓને ફરવા માટે મળશે વધુ એક સ્થળ, 18 કરોડના ખર્ચે આ તળાવનું કરાશે બ્યુટિફિકેશન

રાજકોટઃ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 200 કરોડથી વધારે રૂપિયાના વિકાસના કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. કુલ 66 દરખાસ્તોમાંથી ત્રણ દરખાસ્તો વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી હતી.

લાલપરી તળાવ બ્યુટીફિકેશન યોજનાને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન તરફથી મંજૂરી મળી હતી. આ પ્રોજેક્ટ માટે રૂ. 18.11 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ 18265 ચોરસ મીટર એરિયામાં લેક ફ્રન્ટ, 1 કિમીનો રોડ, 10,950 ચોરસ મીટર ગાર્ડન વર્ક, વોકિંગ ટ્રેક અને ગેબિયન વોલ બનાવવામાં આવશે. અગાઉ પર્યાવરણ અને પક્ષીઓને નુકસાનના ડરથી ડિઝાઇનમાં ફેરફાર કરવા પડ્યા હતા, પરંતુ હવે નવી ડિઝાઇન મુજબ કામગીરી શરૂ થશે. પ્રધુમન પાર્ક અને લાયન સફારી પાર્કની નજીક હોવાથી આ વિસ્તાર પ્રવાસીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે.

મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ભળેલા વિસ્તારોને નિયમિત 20 મિનિટ પાણી વિતરણ કરવા અને આગામી 20 વર્ષનું આગોતરૂ આયોજન કરવા માટે આજીડેમ પાસે 75 એમ એલ ડી પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્લાન્ટથી રાજકોટમાં નવા ભળેલા કોઠારીયા, વાવડી, લાલપરી, રાંદરડા, સહિતના વિસ્તારોમાં રહેતા લાખો લોકોને નિયમિત પાણી આપી શકાશે. આ નવા ફિલ્ટર પ્લાન્ટ સહિત, લાલપરી તળાવ બ્યુટીફીકેશન તેમજ નવી લાયબ્રેરી બનાવવા સહિત રૂ. 210 કરોડથી વધુના વિકાસ કામોની 63 દરખાસ્તને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં લીલીઝંડી આપવામાં આવી છે.

અંદાજિત માર્ચ મહિનામાં કોર્પોરેશનના અત્યારના પદાધિકારીઓનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે એટલે રાજકોટનો બને એટલો વિકાસ આ પદાધિકારીઓ દ્વારા થાય તેવા પ્રયત્નો કરી રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો પૂરેપૂરો ઉપયોગ કરવા કરોડો રૂપિયાના કાર્યો કરવામાં આવી રહ્યા છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે, જો વિકાસના કાર્યોમાં ગ્રાન્ટ ખૂટશે તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે વધારે રૂપિયાની માંગણી કરી વિકાસના કાર્યો અટકવા દેવામાં નહીં આવે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button