
રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડમાં રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે.
શહેરના 150 ફૂટ રીંગ રોડ, રૈયા ચોકડી ખાતે વરસાદ વરસતા પાણી ભરાવાની શરૂઆત થઈ છે, ઇન્દિરા સર્કલ, નાના મૌવા ચોકડી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
આ ઉપરાંત રાજકોટના પીડી માલવીયા, ગોંડલ ચોકડી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. પડધરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે. રાજકોટ જામનગર હાઇવે, રાજકોટ મોરબી હાઇવે, રૈયા ચોકડી, ઇન્દિરા સર્કલ, નાના મૌવા ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.
રાજકોટના પડધરી તાલુકાના સરપદળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સારા વરસાદના પગલે ખેડૂતોને ફાયદો થશે. કપાસ, મગફળી સોયાબીન અને કઠોળ પાકને ફાયદો થશે.
વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. એક તરફ આજે ગણેશ વિસર્જન તો બીજી તરફ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાંજ સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડે તેવા એંધાણ છે.
હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ખૂબ ભારે વરસાદ આવી શકે છે. પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ તથા અમદાવાદ સહિત બાકીના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે.
કાલે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટની આગાહી છે. મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટની આગાહી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે.