ટોપ ન્યૂઝરાજકોટ

ગુજરાતમાં રેગિંગની વધતી ઘટનાઃ રાજકોટમાં ફરી રેગિંગ, ઓડિયો ક્લિપ વાઈરલ…

Rajkot News: રાજ્યમાં એક સપ્તાહમાં રેગિંગની ત્રણ ઘટના બની છે. ભાવનગર, ધંધૂકા બાદ રાજકોટમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે. ગુજરાતમાં રેગિંગની વધતી ઘટના શિક્ષણ જગત માટે લાલબત્તી સમાન છે. ગત સપ્તાહે ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી. મેડિકલ કોલેજના ત્રણ ઈન્ટર્ન ડોક્ટર્સને સાથે અભ્યાસ કરતા ઈન્ટર્ન તથા સિનિયર ડોક્ટર સહિત 8 લોકોએ જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને ના બોલે તો બેહોશ થાય ત્યાં સુધી માર માર્યાની ગંભીર ફરિયાદ મેડિકલ કોલેજના ડિન સુધી પહોંચતા ચકચાર મચી હતી. ઈજાગ્રસ્ત ત્રણેય ઈન્ટર્ન ડોક્ટરને સારવાર માટે સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 4 સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Also read : Gujarat માં RTI નો દુરૂપયોગ કરનારા સામે કાર્યવાહી કરાશે, કુલ 67 ગુના નોંધાયા…

આ ઘટનાની સ્યાહી સુકાઈ નહોતી ત્યાં ધંધુકાની પચ્છમ ગામની હોસ્ટેલમાં રેગિંગની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચારી મચાવી દીધી હતી. ધોરણ 9માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સાથે ધોરણ 11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. અત્યાચારની તમામ હદ વટાવવામાં આવી હોય તેમ અઘટિત કૃત્ય આચરવામાં આવ્યું હતું. સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી. અત્યાચાર ગુજારનારા દારુ, ગુટખા, પાનમસાલાનું વ્યસન કરતા હતા. તેમની પાસે મોબાઈલ હતો. તેમાં આ બધુ રેકોર્ડિંગ કરતા હતા.

રેગિંગની ત્રીજી ઘટના રાજકોટમાં બની હતી. શહેરની જાણીતી સ્કૂલમાં જૂનાગઢના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બની હતી. હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓએ ભેગા મળીને એક વિદ્યાર્થીને માર માર્યો હતો. સૂત્રાપાડામાં રહેતા વિદ્યાર્થીએ પિતાને પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીના પિતાને ફરિયાદ ન કરવા કહ્યું હતું. આ વાતચીનો ઓડિયો વાઇરલ થયો છે.

મુંબઈ સમાચારને મળેલા વીડિયોમાં પીડિત વિદ્યાર્થીના વાલી સમગ્ર ઘટનાનું વર્ણન કરતાં સાંભળવા મળે છે. વીડિયોમાં દેખાતા પીડિત વિદ્યાર્થી સાથે સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલો જાણવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો પીડિત વિદ્યાર્થી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેમના વાલી દ્વારા દમન કરનારા તત્વો પર કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રેગિંગની ઘટના સમયાંતરે બનતી રહે છે. ગત વર્ષના અંતમાં પાટણ મેડિકલ કોલેજ રેગિંગનો મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. જુનિયર વિદ્યાર્થીના મૃત્યુ બાદ15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જાગૃતિના અભાવના કારણે સમયાંતરે રેગિંગની ઘટનાઓ બનતી રહે છે.

Also read : Gujarat નું સહકાર મોડેલ સફળ, સહકારી બેંકોની ડિપોઝીટમાં રૂપિયા 6500  કરોડનો વધારો

રેગિંગને રોકવા માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન જેવી ટોચની સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અને તેના માટે જાહેર કરવામાં આવેલી જોગવાઈઓના અમલ પ્રત્યે પણ જે – તે શૈક્ષણિક સંસ્થાઓનું ઉદાસીન વલણ પણ જવાબદાર છે. રેગિંગની રોકવા માટે દરેક કોલેજે એન્ટિ રેગિંગ ગાઇડલાઇનું પાલન કરવાનું હોય છે પરંતુ હાલ માત્ર કેટલીક જ કોલેજો તેનું ચુસ્ત પાલન કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button