રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું, રૂપિયાની માંગણી કરી

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતાં બ્રિજેશ કુમાર ઝાનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું છે. તેના પરથી રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. લોકો આ નકલી ફેસબુક એકાઉન્ટને અસલી સમજે તે માટે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથેની તસવીર પણ પોસ્ટ કરવામાં આવી છે. નકલી ફેસબુક એકાઉન્ટના ડીપીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં પોલીસ કમિશનર ઉભા હોય તેવો ફોટો મુકવામાં આવ્યો છે.
બ્રિજેશ કુમાર ઝાએ જણાવ્યું, મારા એક – બે મિત્રો દ્વાર મને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ મેં તપાસ કરતા આ વાત સાચી હોવાનું જણાયું હતું. આ અંગે મેં સાયબર ક્રાઈમને જાણ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ નકલી એકાઉન્ટ પરથી પૈસાની પણ માંગણી કરવામાં આવી રહી છે. તેથી લોકોને પણ વિનંતી છે કે, આ પ્રકારનો કોઈ મેસેજ આવે તો કોઈએ નાણા આપવા જોઇએ નહીં.
આપણ વાંચો: ડ્રોન હુમલાને લીધે કોરીક્રિકમાં ફસાયેલા 100 શ્રમિકને બીએસએફ અને વનવિભાગે ઉગાર્યા
બ્રિજેશ કુમાર ઝા 1999 બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. મે 2024 માં રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટના બાદ તેમની રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તે પહેલાં તેઓ અમદાવાદના સેક્ટર-2ના સ્પેશિયલ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ ઝારખંડના દેવઘરના વતની છે અને તેમણે દિલ્હીની હિન્દુ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ અગાઉ આઈજી એડમિનિસ્ટ્રેશન ગુજરાત પોલીસ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.