
સૌરાષ્ટ્ર અને કચ્છ ભારતની પ્રગતિનો મજબૂત પાયો…
રાજકોટ: પીએમ મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પ્રવાસના બીજા દિવસે તેમણે રાજકોટમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ 2026ને(VGRC)સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે દુનિયાને ભારત પાસે આશાઓ વધી છે. તેમજ ભારત આજે વિશ્વની ત્રીજીની મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે.
ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ સતત વધી
પીએમ મોદીએ જણાવ્યું કે વર્ષ 2026ની તેમની આ પ્રથમ ગુજરાત મુલાકાત છે. તેમજ આનંદની વાત છે વર્ષ 2026ની મારી યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં શીશ નમાવીને શરૂ થઈ છે. તેમજ હવે હું રાજકોટમાં આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું. તેમણે કહ્યું છે કે વિકાસ પણ વારસો છે. આ મંત્ર દરેક જગ્યાએ ગુંજી રહ્યો છે. ભારતે પાછલા વર્ષોમાં ઝડપી પ્રગતિ કરી છે. જેમાં ગુજરાત અને બધા રાજયોએ મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમજ ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓ સતત વધી રહી છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે.
ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર
પીએમ મોદીએ જણાવ્યું કે, ભારત ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે અર્થતંત્રની સ્થિતી અંગે જણાવ્યું કે, દેશમાં ફુગાવો નિયંત્રણમાં છે અને કૃષિ ઉત્પાદન નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ભારત આજે દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે, અને જેનેરિક દવાઓ અને રસીઓના ઉત્પાદનમાં પણ વૈશ્વિક સ્તરે અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતની વિકાસ યાત્રા પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં ભારત વિશ્વનો સૌથી મોટો મોબાઇલ ડેટા ગ્રાહક બન્યો છે.

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો
તેમજ તેમણે કહ્યું કે, UPI આજે વિશ્વનો નંબર વન રીઅલ-ટાઇમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ છે. આ સાથે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક દેશ બન્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. ભારત ઉડ્ડયન ક્ષેત્રમાં ત્રીજું સૌથી મોટું બજાર બની ગયું છે. તેમજ મેટ્રો નેટવર્ક વિસ્તરણની દ્રષ્ટિએ તે ટોચના ત્રણ દેશોમાં સામેલ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ ભારતની પ્રગતિનો મજબૂત પાયો
પીએમ મોદીએ સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોની હિંમતને બિરદાવી હતી. તેમજ કહ્યું હતું કે આ પ્રદેશના લોકો ગમે તેટલા મોટા પડકારનો મહેનતથી સામનો કરીને સફળતા મેળવે છે. કચ્છ છે જેણે આ સદીની શરૂઆતમાં વિનાશક ભૂકંપનો સામનો કર્યો હતો. આ એ જ સૌરાષ્ટ્ર છે જ્યાં વર્ષો સુધી દુષ્કાળ સામાન્ય હતો. મહિલાઓ અને છોકરીઓને પીવાનું પાણી લાવવા માટે માઇલો ચાલીને જવું પડતું હતું. વીજળીની કોઈ કાયમી વ્યવસ્થા નહોતી. પરંતુ સમય બદલાય છે અને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોએ પોતાની મહેનત દ્વારા પોતાનું ભાગ્ય બદલી નાખ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છ ભારતની પ્રગતિનો મજબૂત પાયો બન્યા છે.



