રાજકોટની ‘પેંડા ગેંગ’ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, 17 સામે ગુનો નોંધાયો…

રાજકોટ : રાજકોટ શહેરમાં વધતા જતા ગુનાઓને ડામવા માટે પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં મંગળા રોડ પર થયેલ ફાયરિંગ કેસમાં બે દિવસ પૂર્વે ઝડપાયેલ આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં 71 ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં હત્યા, હત્યાની કોશિશ, બળાત્કાર, આર્મ્સ એક્ટ, રાયોટીંગ સહીત ગુના નોંધાઈ ચુક્યા છે.
પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના મંગળા રોડ પર 29 ઓક્ટોબરના રોજ કુખ્યાત સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે ત્રણ પૈકી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા અને અરમાન ઉર્ફે ચક્કીને પોલીસે ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અહીં બંને આરોપીએ લંગડાતા ચાલી, બે હાથ જોડી માફી માગી હતી.
પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 17 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કેસમાં મુખ્ય આરોપી સમીર ઉર્ફે સંજલો ઉર્ફે મૂર્ઘો જુણેજા 10 દિવસ થયાં છતાં હજુ પોલીસ પકડથી દૂર છે.



