રાજકોટ

રાજકોટના દૈનિક અખબારની ઓફિસમાંથી ₹76.90 લાખની ચોરી: સોનું, રોકડ, ઘરેણાં ઉઠાવ્યા…

રાજકોટ: રાજકોટના દૈનિક અખબારની કચેરીમાં ઘૂસી તસ્કરો સોનું, રોકડ અને ઘરેણાં સહિત કુલ રૂ.૭૬.૯૦ લાખની માલમતા ઉઠાવી ગયા હતા. આ ચોરીની ઘટના અંગે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રવિવારે બપોરે અખબારની કચેરી બંધ કર્યા બાદ, સોમવારે તા.2ની સવારે આઠેક વાગ્યે તેઓ કચેરીએ પહોંચ્યા અને પોતાની ચેમ્બરમાં બેઠા હતા. તે સમયે કેમેરામેને જાણ કરી કે બાજુની ચેમ્બરમાં તિજોરી તૂટેલી છે. ત્યારબાદ સંસ્થાના કર્મચારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે પ્રેસના માલિકની ઓફિસની તિજોરી તૂટેલી હતી તેમજ અન્ય ચેમ્બરના ટેબલના ખાના પણ ખુલ્લા હતા અને અગાશી પરની બારીનો હૂક પણ તૂટેલો હતો.

ચોરોએ મુખ્યત્વે પ્રેસમાં માલિકના સંબંધી દ્વારા રાજકોટમાં કારીગરો પાસે કામ કરાવવા માટે લાવવામાં આવેલ રૂ.51.50 લાખનું 540 ગ્રામ સોનું તિજોરીમાંથી ઉઠાવી લીધું હતું. આ ઉપરાંત, પ્રેસમાં માલિકની સોનાની વીંટી અને લકી મળી કુલ રૂ.10.25 લાખના ઘરેણાં, રૂ.1.25 લાખના ચાંદીના સિક્કા અને રૂ.3.50 લાખ રોકડા પણ ચોરી થયા હતા. આશ્ચર્યજનક રીતે, બાજુના ટેબલના ખાનામાં પગારના રૂ.10 લાખ રોકડા 70 કવરમાં રાખ્યા હતા તે પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. આમ, કુલ રૂ.76.90 લાખનો મુદ્દામાલ ચોરો લઈ ગયા હતા.

ચોરીની ઘટનાની જાણ થતાં જ એ.ડિવિઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં રાત્રિના સમયે બુકાનીધારી એક શખ્સ અંદર ઘૂસીને ચોરી કરતો દેખાયો હતો. પોલીસે તે બુકાનીધારીની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button