Rajkot: ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના કારણે ખેલાયો ખૂની ખેલ, ભત્રીજાએ કૌટુંબિક કાકાનું ઢીમ ઢાળી દીધું

Rajkot: થોડા દિવસો પહેલા કચ્છમાં મોબાઈલ ગેમના ફ્રી પાસવર્ડ આપવા બાબતે થયેલા ઝગડામાં એક 13-14 વર્ષના સગીરની બીજા ત્રણ સગીરે મળી હત્યા કરી દીધી હતી ત્યારે ફરી એક ચિંતાજનક ઘટના રાજકોટ જિલ્લામાં બની છે. સોશિયલ મીડિયા અત્યારે બાળકો, કિશોરો અને યુવાનો પર ખૂબ જ હાવી થઈ ગયુ છે. નાની નાની વાતોમાં બાળકો ગુસ્સે થઈ જાય છે અને હિંસા પર ઉતરી આવે છે. આવી જ ઘટના રાજકોટમાં બની છે. રાજકોટમાં 17 વર્ષના ભત્રીજાએ માત્ર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના કારણે કૌટુંબિક કાકાની હત્યા કરી નાખી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કૌટુંબિક કાકાને ભત્રીજાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પસંદ નહોતી આવી એટલે તે પોસ્ટને હટાવી દેવા માટે કહ્યું હતું. જો કે, તેના કારણે ભત્રીજાએ કૌટુંબિક કાકાનું ઢીમ ઢાળી દીધું.
મૃતક વ્યક્તિ 2 બાળકોનો પિતા પણ હતો.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, રાજકોટના વડાલી ગામમાં આ ઘટના બની છે. રવિવારે રાત્રે ભત્રીજાએ કૌટુંબિક કાકાની હત્યા કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો. પોલીસે આ ગંભીર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે. મૃતક વ્યક્તિ 32 વર્ષનો હતો અને 2 બાળકોનો પિતા પણ હતો. અત્યારે તે 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પોલીસે જણાવ્યું કે, આ કિશોરે ભણવાનું છોડી દીધું છે અને અત્યારે બેરોજગાર છે.
આ પણ વાંચો…સુરત અને નવસારી ‘ગુનાખોરી’ માટે ‘એપી સેન્ટર’ બન્યા, વિપક્ષ લાલઘૂમ!
માથા પર અને ગળાના ભાગે છરી ઘા મારી હત્યા કરી
કિશોરે પોતાના ઈન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે, ‘અમે હવે અખાડામાં ઉતરી ગયા છીએ, હવે રાણી પણ રાજા સાથે નાચશે’ આ પોસ્ટ ના કરવા માટે કૌટુંબિક કાકાએ ચેતવણી આપી હતી. તેમ છતાં તેણે સ્ટોરી નાખી હતી. જેથી કાકાએ બોલાવીને ધમકાવ્યો હતો. જેથી બન્ને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો. કાકાએ ગુસ્સામાં આવીને ભત્રીજાને એક ઝાપટ પણ મારી દીધી હતી. જેથી તે ખૂબ જ વધારે ગુસ્સે થઈ ગયો અને છરીથી હુમલો કરી દીધો હતો. માથા પર અને ગળાના ભાગે છરી અનેક ઘા માર્યા હતાં. હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવે તે પહેલા જ કાકાનું મોત થઈ ગયું હતું.
મૃતકના પરિવારજનોએ ભત્રીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી
મળતી વિગતો પ્રમાણે મૃતકના પરિવારમાં તે એક જ વ્યક્તિ કમાવવા વાળો હતો. જેથી અત્યારે મૃતકના પરિવારજનોએ ભત્રીજા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે પણ ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી અને થોડા ક જ કલાકોમાં કિશોરને 80 ફૂટ રોડ પર આંબેડકર નગર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કિશોર સામે ન્યાય અધિનિયમની કલમ 103(1) અને અન્ય સંબંધિત આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.