રાજકોટ

રાજકોટ મનપાનું ‘વેરા વસૂલાત મિશન’, લક્ષ્યાંક પૂરો કરવા શરૂ કર્યું આ કામ

અમદાવાદઃ રાજકોટ મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાનો ચાલુ વર્ષનો રૂા.454 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા બાકી દારો વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ કરી હતી. ગત વર્ષની તુલનાએ આ વર્ષે 1 લાખથી વધુ જૂના બાકીદારોને નોટિસ આપવાનુ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં 50 હજારથી વધુ રકમ બાકી હોય તેવા 11171 આસામીઓને રૂબરૂ નોટીસ આપી સમય મર્યાદામાં વેરો ભરપાઇ કરવાની સૂચના આપી છે. જે પૈકી 665 બાકી દારોને મિલકત જપ્તી અંગે નોટીસ ફટકારવામાં આવી હોવાનુ જાણવા મળ્યું હતું.

મનપાની આજ સુધીની આવક 300 કરોડને પાર

મનપાના વેરા વિભાગ દ્વારા વર્ષના પ્રારંભે વળતર યોજના અતર્ગત બે લાખથી વધુ પ્રમાણિક કરદાતાઓ પાસેથી વેરા વસુલાત કરી છે. જે બાદ બાકી રહી ગયેલા 30 હજારથી વધુ કરદાતાઓએ વેરો ભરપાઇ કરતા મનપાની આજ સુધીની આવક રૂા.300 કરોડને પાર થઇ ગઇ છે.

ઘરે જઈનને નોટીસની બજવણી

મનપાની હદમાં આવતી અંદાજે 5.30 લાખ મિલકતો પૈકી અડધોઅડધ મિલકત ધારકોનો વેરો બાકી હોય વેરા વિભાગે પોસ્ટ મારફતે બિલ-કમ-ડિમાન્ડ નોટીસ પાઠવ્યા બાદ હવે મિલકત જપ્તી તેમજ સીલીંગ સહિતની કામગીરી હાથ ધરવા બાકીદારોનુ લીસ્ટ તૈયાર કરી તમામને ઘરે જઇને નોટીસની બજવણી કરવામાં આવી છે.

665 મિલકત ધારકોને જપ્તીની નોટીસ

શહેરના ત્રણેય ઝોનના 18 વોર્ડમાં આવેલા કોમર્શિયલ અને રહેણાંકની મિલકતો કે, જેમનો રૂા.50 હજારથી વધુ વેરો બાકી હોય તેવા 11171 મિલકત ધારકોને નોટીસ આપવામાં આવી છે. તેવી જ રીતે અગાઉ ડિમાન્ડ નોટીસ અપાઇ ચૂકી હોય અને આજ સુધી વેરો ભરપાઇ ન કર્યો હોય તેવા 665 મિલકત ધારકોને જપ્તીની નોટીસ આપવામાં આવી છે.

ચાલુ વર્ષ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ સહિતની 207 મિલકતો સીલ કરવામાં આવી છે. જે પૈકી અમૂક મિલકત ધારકોએ રકમ ભરપાઇ કરતા 40થી વધુ મિલકતોના સીલ ખોલવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે. મહાનગરપાલિકાના વેરા વિભાગને ચાલુ વર્ષના બજેટમાં વેરાની આવકમાં રૂા.454 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેમાં આજ સુધી મનપાની આવક 300 કરોડને પાર થઇ ચૂકી છે.

આમ છતા 154 કરોડ ભેગા કરવા હવે વેરા વિભાગે કમર કસી બાકી દારો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા નોટીસની બજવણી શરૂ કરી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ જાન્યુઆરી માસથી સીલીંગ તેમજ જપ્તી સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે, જે માર્ચના અંત સુધી ચાલુ રહેશે.

મનપાએ કુલ 11171 આસામીઓને નોટીસ ફટકારઇ છે. જેમાં સૌથી વધુ કોમર્શિયલ મિલકતો હોવાનુ જાણવા મળ્યું હતું. તેમજ 20 હજારથી વધુ મિલકતોમાં કોર્ટે કેસ અથવા ભાડા સંબંધીત કાર્યવાહી ચાલુ હોવાથી આ વર્ષે પણ આ પ્રકારની મિલકતોનો વેરો ગુમાવવો પડે તેવુ લાગી રહ્યું છે.

આપણ વાંચો:  અમદાવાદને મોટી રાહત: સરખેજ-ફતેવાડીમાં ₹159 કરોડનો ST P પ્લાન્ટ, 12 લાખથી વધુ લોકોને ગટરની સમસ્યામાંથી મળશે મુક્તિ!

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button