રાજકોટ

રાજકોટમાં તંત્રનું ‘બુદ્ધિનું પ્રદર્શન’: ધોધમાર વરસાદ વચ્ચે બની રહેલા ડામર રોડથી તંત્રની કામગીરી પર સવાલ…

રાજકોટ: રાજકોટ શહેરમાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રનું અનોખું “બુદ્ધિનું પ્રદર્શન” સામે આવ્યું છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવા છતાં, વાવડી વિસ્તારમાં ડામરનો રોડ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી હતી, જેના કારણે લોકોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.

વીડિયો રાજકોટ મનપાના વાવડી વિસ્તારનો
મળતી વિગતો અનુસાર ચાલુ વરસાદમાં ડામર રોડ બનાવવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો રાજકોટ મનપાના વાવડી વિસ્તારનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક તરફ શ્રમિકો ડામરનો રોડ પાથરી રહ્યા છે, તો બીજી તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

કામગીરીની ગુણવત્તા પર સવાલો
ચાલુ વરસાદે ડામરનો રોડ બનાવવાથી તંત્રની કામગીરીની પદ્ધતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે, ડામર રોડ બનાવવા માટે સૂકા વાતાવરણ અને ચોક્કસ તાપમાનની જરૂર પડે છે, જેથી ડામર બરાબર સેટ થઈ શકે અને રોડની ગુણવત્તા જળવાઈ રહે. પરંતુ ચાલુ વરસાદે નવો બનેલો આ ડામર રોડ કેટલો ટકશે અને કેટલા સમયમાં ફરીથી તૂટી જશે તેવા પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. જો કે આ મામલે તંત્રનો સીધો સંપર્ક સાધી શકાયો નથી.

હાલ રાજ્યમાં ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે અસહ્ય ગરમી બાદ રાજકોટ શહેર અને જિલ્લાના લોધીકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. દિવસની આકરી ગરમી બાદ પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી.

આપણ વાંચો : રાજકોટના ગોંડલ રોડ પર 5 કરોડના ખર્ચે નવું સેટેલાઇટ બસ સ્ટેશન બનશે: સુવિધાઓ આધુનિક મળશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button