રાજકોટ મનપામાં લોકોની ‘તપશ્ચર્યા’! જન્મ-મરણના દાખલા માટે 6 મહિનાથી લાંબી લાઈનો: વિપક્ષની રજૂઆત

રાજકોટ: મહાનગરપાલિકામાં લોકોને જન્મ-મરણના દાખલા કઢાવવા માટે કલાકો સુધી રાહ જોવાનો અને વારંવાર ધક્કાઓ ખાવા પડે છે તેવો આરોપ કોંગ્રેસે કર્યો છે. તેમણે આરોપ કર્યો હતો કે, શહેરના લોકો પોતાનું કામ-ધંધા મૂકીને લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, વળી બેઠક વ્યવસ્થાના અભાવે લોકોને નીચે બેસવાની ફરજ પડે છે.
આ સૌથી મોટી અવ્યવસ્થા છેલ્લા છ મહિનાથી ચાલી રહી હોવાનો પણ વિરોધ પક્ષ દ્વારા આરોપ કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસની નીચે જ આવેલો આ જન્મ-મરણ વિભાગ લોકોની મુશ્કેલીનું કેન્દ્ર બન્યો છે.
સત્તાધારી પદાધિકારીઓની ઓફિસની નીચે જ દરવાજા સુધી લાઈનો લાગતી હોવા છતાં પણ તંત્ર અને પદાધિકારીઓના પેટનું પાણી હલતું ન હોવાનો આક્રોશ શહેરીજનોમાં જોવા મળી રહ્યો છે.
વધતી સમસ્યાનું મુખ્ય કારણ જન્મ-મરણ વિભાગમાં અપૂરતો સ્ટાફ હોવાનું વિરોધ પક્ષનો આક્ષેપ છે. લાંબા સમયથી સ્ટાફની તંગીને કારણે શહેરીજનો દાખલાઓ કઢાવવા માટે ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ ઉપરાંત, સંકલનના અભાવે વખતોવખત કનેક્ટિવિટી બંધ થવી, સર્વર ડાઉન થવું, નેટવર્કમાં ખામી આવવી કે નવું પોર્ટલ ધીમું ચાલવું જેવી અનેક ટેકનિકલ સમસ્યાઓ લોકોને હાલાકી આપી રહી છે.
અગાઉના કમિશનર વિજય નહેરાના સમયમાં વોર્ડ ઓફિસ સુધી જન્મ-મરણના દાખલા સહિતના કામો શરૂ કરાયા હતા, પરંતુ સિસ્ટમની આ ખામીઓના પગલે હાલ તે સુવિધા બંધ થઈ ગઈ છે અને દાખલાઓ માત્ર સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે જ આપવામાં આવે છે.
આ ગંભીર સમસ્યાને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજીએ જણાવ્યું હતું કે, અપૂરતા સ્ટાફને કારણે સર્જાતી અફરાતફરી તાત્કાલિક દૂર થવી જોઈએ.
કોંગ્રેસે તંત્રને સત્વરે નવી ભરતી અથવા કોન્ટ્રાક્ટ દ્વારા કર્મચારીઓની નિમણૂક કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે. તેમણે સત્તાધારી પદાધિકારીઓ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભૂતકાળમાં તેઓએ આ વિભાગની મુલાકાત લઈને લાઈનો દૂર કરવાના બણગાં ફૂંક્યા હતા અને ફોટો સેશન કરાવ્યા હતા, પરંતુ હવે તે પદાધિકારીઓ ભૂગર્ભમાં જતા રહ્યા છે.
આ પણ વાંચો…રાજકોટમાં કાકી-ભત્રીજા અફેરમાં કાકાનો ગોળી મારીને આપઘાત



