રાજકોટમાં પાણી ભરાતા હોય તેવા સ્થળે સીસીટીવીથી નજર રખાશે…

રાજકોટઃ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજકોટ શહેરમાં હજુ માત્ર 16 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.
4 ઈંચ વરસાદમાં રાજકોટ પાણી પાણી
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, રોડ રસ્તાને લઈ લોકોને અગવડ ન પડે તે માટે અધિકારીને તાત્કાલિક અસરથી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. ગુરુવારના રોજ માત્ર 4 ઇંચ વરસાદ પડતા જ રાજકોટ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, ત્યારે વરસાદી પાણીના નિકાલ અંગે પણ સૂચના આપવામાં આવી હોવાનું કમિશનરએ જણાવ્યું હતું. શહેરમાં વિવિધ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણી પર હવે કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવીથી પણ નજર રખાશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કમિટીની મીટીંગમાં અધિકારીઓને ફિલ્ડમાં રહેવા સૂચના આપી હતી. કમિશનર તુષાર સુમેરાએ પણ વોર્ડથી માંડી ઝોન કક્ષાના અધિકારીઓને ચાલુ વરસાદે વિસ્તારોમાં ફરવા અને ઓફિસમાં ન બેસવા સૂચના આપી હતી. આ પ્રયાસથી વરસાદ વચ્ચે પ્રશ્નોના શક્ય હોય ત્યાં સુધી ઓન રોડ જ ઉકેલ આવે તેવી વ્યવસ્થા ગોઠવવાનો હેતુ છે. ડેપ્યુટી કલેક્ટર કિર્તન રાઠોડ દ્વારા વોર્ડ નંબર 7-અમાં સફાઈ કામદારો સાથે મીટીંગ કરવામાં આવી હતી. બાંધકામ, ડ્રેનેજ, ગાર્ડન, અને મેલેરિયા વિભાગની હાજરીમાં સફાઈ અને નાના મોટા પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપી હતી.