રાજકોટમાં માતા બની કુમાતા, સંતાનમાં બીજી દીકરી જન્મતાં પાણીના ટાંકામાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી

રાજકોટઃ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. માતાએ તેની બે મહિનાની દીકરીને પાણીના ટાંકામાં નાખી હત્યા કરી હતી. સંતાનમાં પહેલાથી એક દીકરી હતી અને બીજીનો જન્મ થતાં માતાએ આ હીચકારું પગલું ભર્યું હતું. ઉપરાંત પોલીસ ફરિયાદ વગર જ અંતિમવિધિ પણ કરી નાંખી હતી.
શું છે મામલો
રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામમાં એક માતાએ પોતાની બે મહિનાની દીકરીને પાણીના ટાંકામાં ડૂબાડીને મારી નાખી હતી. આ ઘટના પાછળનું કારણ પણ ઘણું દુઃખદાયક હતું. મહિલાને પહેલેથી એક દીકરી હતી. તેને આશા હતી કે બીજી વખત દીકરોનો જન્મ થશે, પરંતુ બીજી પણ દીકરી જન્મી હતી. આ વાત તેને ગમી નહોતી, જેના કારણે તેણે ક્રૂર કૃત્ય કર્યું હતું. આ ઘટના લગભગ સાડા ત્રણ મહિના પહેલા બની હતી. તે સમયે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી અને બાળકીની અંતિમવિધિ પણ કરી દેવામાં આવી હતી.
માર્ચ મહિનામાં બની હતી ઘટના પણ હવે પતિએ નોંધાવી ફરિયાદ
હવે, બાળકીના પિતા સાજીદ કાયાણીએ પોતાની પત્ની મુસ્કાન સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. સાજીદે જણાવ્યું કે 5 જુલાઈ, 2020ના રોજ તેમની પહેલી દીકરી નુરેનાનો જન્મ થયો હતો, અને પછી 15 માર્ચ, 2025ના રોજ બીજી દીકરી આયેશાનો જન્મ થયો. બીજી દીકરી જન્મવાથી તેની પત્ની ખુશ નહોતી. સાજીદના કહેવા મુજબ, 23 મે, 2025ના રોજ તે મજૂરીકામ પર ગયા હતા અને પરિવારના અન્ય સભ્યો પણ બહાર ગયા હતા. બપોરે તે જમવા પાછા આવ્યા અને ફરીથી કામ પર ગયા. તે સમયે તેની પત્ની મુસ્કાન અને બે દીકરીઓ ઘરે એકલી હતી. સાંજે 5 વાગ્યે મુસ્કાને ફોન કરીને કહ્યું કે આયેશા ઘોડિયામાં નથી. બધાએ મળીને આયેશાને શોધી. અંતે, તેને ઘરના રસોડાના પાણીના ટાંકામાંથી બહાર કાઢવામાં આવી હતી. તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું હતું.
સંબંધીએ ફોન કરીને જણાવી હકીકત
સાજીદે પોતાની પત્ની પર શંકા જતાં તેને તેના પિયર મોકલી દીધી હતી. બીજા દિવસે તેના સંબંધીએ ફોન કરીને જણાવ્યું કે મુસ્કાને કબૂલ્યું છે કે તેણે જ આયેશાને પાણીના ટાંકામાં નાખી દીધી હતી. સાજીદના સાળાની પત્નીએ પણ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. શરૂઆતમાં છૂટાછેડાની વાત થતા સાજીદે ફરિયાદ કરી ન હતી, પરંતુ પછી સંબંધો સુધર્યા નહીં અને તેની પત્નીએ તેના અને તેના પરિવાર વિરુદ્ધ અરજી કરતા તેણે આ ફરિયાદ નોંધાવી હતી.
સાજીદે ફરિયાદમાં જણાવ્યું છે કે તેની પત્ની મુસ્કાનને દીકરાની ઈચ્છા હતી, પરંતુ બીજી દીકરીનો જન્મ થતા તેણે આયેશાને પાણીના ટાંકામાં ડૂબાડીને મારી નાખી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.