
રાજકોટ/મોરબીઃ ટેક્સ ચોરીની આશંકાને પગલે રાજકોટ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રાજકોટમાં અને મોરબીમાં મળીને કુલ 40થી વધુ સ્થળોએ મંગળવારે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 250થી વધુ અધિકારીઓની ટીમે મોરબીમાં દિગ્ગજ લેવિસ ગ્રેનીટો સિમામીક ગ્રુપ ઉપરાંત રાજકોટમાં તેમના ભાગીદારોના નિવાસે પણ રેડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોટન (રૂ)ના ધંધા સાથે સંકળાયેલા અને મોરબીમાં ગ્રુપ સાથે કનેકશન ધરાવતા રાજકોટના ઉદ્યોગપતિઓ પાછા ઝપટે ચડ્યા હતા.
આ રીતે કરતા હતા કરચોરી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સર્ચ ઓપરેશનના પ્રથમ દિવસે 3 કરોડની બિનહિસાબી રોકડ મળી હતી. લેવિસ ગ્રુપ દ્વારા ઓછો નફો બતાવીને કરચોરી કરવામાં આવતી હતી. ઇન્કમટેક્સ વિભાગે છેલ્લા પાંચ મહિનાના હિસાબો ચેક કર્યા હતા અને તેમાં મોટા પાયે કરચોરી ખૂલી હતી. આ સર્ચ ઓપરેશન એક સપ્તાહ ચાલી શકે છે.
આ પણ વાંચો: મોરબી અને રાજકોટમાં ઈન્કમ ટેક્સના દરોડાઃ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓમાં ફફડાટ
કરોડોના બિનહિસાબી વ્યવહારો મળશે
સૂત્રો મુજબ રાજકોટ ઈન્વેસ્ટિગેશન વિંગના જોઇન્ટ કમિશ્નરના નેતૃત્વમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મહિનાઓની સઘન તપાસ બાદ કરચોરી પકડવામાં સફળતા મળી હતી. અત્યાર સુધીમાં કરોડોના બિનહિસાબી વ્યવહારોની સાથે ગોલ્ડ, ડાયમંડ જ્વેલરી આઈટી ટીમને મળી આવી હોવાનું સામે આવ્યું છે. આઈટીની કાર્યવાહીથી કન્સ્ટ્રક્શન, સિરામિક, કોટન સાથે સંકળાયેલા ગ્રુપોમાં ફફડાટ ફેલાયો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે, દરોડમાં જૂજ પ્રિમાઈસીસ એવી માલિક અથવા તો તેમના ભાગીદારોના નિવાસસ્થાનો હોય છે પરંતુ આ દરોડામાં 40 સ્થળોમાંથી 30 તો ઘર જ છે જયાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ડિજિટલ ડેટા પરથી ખૂલશે રાજ
આ ઉપરાંત સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, હાલ જે દરોડા ચાલી રહ્યા છે તેમાં અધિકારીઓ ડિજિટલ ડેટા મળવાની રાહ જોઈ રહ્યા છે. ડિજિટલ ડેટા મળ્યા બાદ કરચોરીનો સાચો આંકડો સામે આવશે તેમ માનવામાં આવે છે.