આટલા સસ્તા ઘરઃ રાજકોટમાં મનપા આપશે રૂ. બે લાખમાં વન બીએચકે ફ્લેટ્સ

અમદાવાદઃ ગુજરાતના નાના શહેરોમાં પણ બે લાખમાં ઘર મળવું મુશ્કેલ નહીં પણ અશક્ય છે ત્યારે રાજકોટ જેવા શહેરમાં વન બીએચકે ફ્લેટ રૂ. બે લાખમાં મળે, તે વાત માન્યામાં આવે તેમ નથી. જોકે આ ઘર માત્ર ગરીબવર્ગ માટે જ છે અને તે પણ નવા નથી જૂના છે.
રાજકોટ મહાનગરપાલિકાનો એક નિર્ણય ગરીબવર્ગના ઘરના ઘરનું સપનું પૂરું કરશે, તેમ લાગી રહ્યું છે. શહેરના સાધુ વાસવણી કુંજ રોડ પર બનેલાં 1056 ફ્લેટ્સ લગભગ 15 વર્ષથી એમ જ પડ્યા છે અને જર્જરિત થઈ ગયા છે. હવે આ મકાનોને રિનોવેટ કરી તેને રૂ. 2 લાખની કિંમતે ગરીબોને આપવાનો નિર્ણય પાલિકાએ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આપણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે વશરામભાઈ સાગઠીયા ની નિયુક્તિ
પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણયને મંજૂરી મળી ગઈ છે અને દસ મહિનામાં રિનોવેશનનું કામ પૂરું થયા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ આ ફ્લેટ્સ ફાળવવામાં આવશે. રૂ. 3 લાખની આવકમર્યાદા નક્કી કરવામાં આવી હોવાનું પણ માનવામાં આવે છે.
પાલિકાએ બેઝિક સર્વિસ ફોર અર્બન પુઅર યોજના હેઠળ ઝૂંપડ્ડપટીવાસીઓ માટે આ ઘર બનાવ્યા હતા, પરંતુ અહીં કોઈ રહેવા ન આવતા 15 વર્ષથી બંધ અને અવાવરું પડ્યા હતા. હવે તેનું રિનોવેશન હાથ ધરાશે અને દસ મહિના બાદ ડ્રો કરવામાં આવશે. આ ફ્લેટની કિંમત રૂ. 2 લાખ છે અને વિસ્તાર પણ સારો છે, આથી હજારોની સંખ્યામાં અરજીઓ આવશે, તેમ માનવામાં આવે છે.



