રાજકોટ

Rajkot માર્કેટિંગ યાર્ડ શિયાળુ પાકથી ઉભરાયું, વાહનોની લાંબી લાઈનો લાગી…

અમદાવાદઃ રાજકોટ(Rajkot) માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી ઘઉં, જીરું, ચણા સહિતના શિયાળુ પાકની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મંગળવાર સવારથી જ યાર્ડની બહાર વિવિધ જણસીઓ લઈને આવેલાં વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.યાર્ડ દ્વારા ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે ક્રમવાર વધુ વાહનને પ્રવેશ આપી તમામ જણસીઓની ઉતરાઈ કરાવવામાં આવી હતી. એમાં ઘઉં અને ધાણાની સૌથી વધુ આવક નોંધાઈ હતી. ધાણાની બે લાખ મણ અને ઘઉંની દોઢ લાખ મણ આવક નોંધાઈ હતી, જ્યારે જીરું, કપાસ અને મગફળી સહિતની વિવિધ જણસીના ખડકલા યાર્ડમાં થયા હતા.

આ પણ વાંચો : ધોરાજી ભાજપમાં ખળભળાટઃ માત્ર 13 જ દિવસમાં નગરપાલિકા પ્રમુખે રાજીનામું આપ્યું

વાહનોમાં વિવિધ જણસીઓ લઈને ખેડૂતો આવી પહોંચ્યા

પ્રાપ્ત વિગત મુજબ, આજે માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,500 કરતાં વધુ વાહનોમાં વિવિધ જણસીઓ લઈને ખેડૂતો આવી પહોંચ્યા હતા, જેમાં ઘઉંની 1.5 લાખ મણ જેવી આવક થતાં લોકવનના રૂ. 482થી 541 અને ઘઉં ટુકડા રૂ. 483થી 604ના ભાવ બોલાયા હતા, જ્યારે ધાણાની પણ 2 લાખ મણ આવક નોંધાતાં રૂ. 1250થી રૂ.1835 સુધીના ભાવ બોલાયા હતા. જ્યારે જીરુંની 54,000 મણની આવક થઈ હતી, એમાં રૂ. 3,550થી રૂ. 4,036 સુધીના ભાવે વેપાર થયા હતા.

આ પણ વાંચો : જાણો રાજકોટની દીકરી સહજ વૈદ્યને સંયુક્ત રાષ્ટ્રએ શા માટે કરી આમંત્રિત

મોટી સંખ્યામાં જણસીઓની આવક થવાની શક્યતા

આ ઉપરાંત મગફળી 25,500 મણ, તુવેર 7,500 મણ, મેથી 25,000 મણ, રાય-રાયડો 5,000 મણ અને કપાસ 5,000 મણની આવક થઈ હતી, જેમાં મગફળીના રૂ. 940થી રૂ. 1205, તુવેરનાં રૂ. 1,101થી રૂ. 1,426, મેથીના રૂ. 920થી રૂ. 1,325, રાય/રાયડોનાં રૂ. 960થી રૂ. 1,235ના ભાવ બોલાયા હતા. ખેડૂતો શિયાળુ પાકનું વેચાણ કરવા માટે સતત મોટી સંખ્યામાં ઊમટી રહ્યા છે. ત્યારે આગામી સપ્તાહ સુધીમાં હજુ પણ મોટી સંખ્યામાં જણસીઓની આવક થવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button