રાજકોટના લોકમેળામાં જન્માષ્ટમીએ માનવ મહેરામણ ઉમટ્યું: ત્રણ દિવસમાં 8 લાખ લોકોએ મોજ માણી

રાજકોટ: રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળાના પ્રથમ બે દિવસમાં જ 4 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. ત્રીજા દિવસે જન્માષ્ટમી હોવાથી રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખો લોકો મેળાની મજા માણવા માટે ઉમટી પડ્યા હતા. શૌર્યનું સિંદૂર લોકમેળામાં હૈયેહૈયું દળાય એટલી ભીડ ઉમટી પડી પડી હતી. જ્યાં નજર કરો ત્યાં માત્ર લોકો જ નજરે પડતા હતા.
આ વર્ષે પણ લોકો મેળાના મુખ્ય આકર્ષણ ‘મોતના કૂવા’નો આનંદ માણી શકશે નહીં. ગયા વર્ષે ભારે વરસાદને કારણે અને આ વર્ષે મંજૂરી ન મળવાને કારણે ‘મોતનો કૂવો’ ચાલુ થઈ શક્યો નથી. આનાથી લોકોને તો નિરાશા થઈ જ છે, પરંતુ જીવના જોખમે કરતબ બતાવતા કલાકારો પણ નાખુશ થયા હતા.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં જામશે રંગ, 15 લાખથી વધુ લોકો આવશે તેવો અંદાજ…
5 દિવસમાં કુલ 12 લાખથી વધુ લોકો લોકમેળાની મુલાકાત લેશે તેવો અંદાજ છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ મેળો 18 ઓગસ્ટ સુધી યોજાશે. આ વર્ષે મેળાને ‘શૌર્યનું સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. મેળામાં કુલ 34 રાઈડ્સમાંથી માત્ર 11 રાઈડ્સને જ મંજૂરી મળી હતી, જેના કારણે લોકો નિરાશ થયા હતા. રાઈડ્સ સંચાલકોએ આ માટે માર્ગ અને મકાન વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી હતી, જે બાદમાં વધુ રાઈડ્સને મંજૂરી મળી હતી. રાજકોટ પોલીસ દ્વારા મેળામાં વ્યસનમુક્તિ અને નશા સામે જાગૃતિ ફેલાવવા માટે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, જેમાં નાગરિકોને ડ્રગ્સથી દૂર રહેવાની અપીલ કરાઈ હતી.