રાજકોટમાં ’શૌર્યનું સિંદૂર’ લોકમેળામાં 2 ડીસીપી સહિત 1900થી પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે | મુંબઈ સમાચાર

રાજકોટમાં ’શૌર્યનું સિંદૂર’ લોકમેળામાં 2 ડીસીપી સહિત 1900થી પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે

રાજકોટઃ રાજકોટના લોકમેળાને હવે બે દિવસ જ બાકી છે. તા.14 થી તા.18 સુધી રેસકોર્ષ રાઉન્ડ ખાતે સાંસ્કૃતીક ’શૌર્યનું સિંદૂર’ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં રાજકોટ શહેર તથા આજુ-બાજુના ગામડાઓમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં જાહેર જનતા લોકમેળો માણવા માટે આવતાં હોય છે, તેની સુરક્ષાની જવાબદારી માટે અને લોકો મેળાની મોજ માણી શકે તે માટે શહેર પોલીસ દ્વારા 2 ડીસીપી સહિત 1941 પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે અને મેળા પર 14 વોચ ટાવર પરથી નજર રાખશે.

ગુરુવારથી શરૂ થઈ રહેલા લોકમેળામાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળે નહિ અને લોકો મેળો આનંદથી માણી શકે તે માટે શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એડી. સીપી મહેન્દ્ર બગરીયા દ્વારા હાઈ લેવલની સુરક્ષાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. તેમજ મુખ્ય સ્ટેજ પાસે પણ પોલીસ અધિકારીઓ માટે અલગથી કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ લોકમેળાનો 14 ઓગસ્ટથી પ્રારંભ: આ વર્ષની થીમ ‘શૌર્યનું સિંદૂર’, શું છે ખાસિયત?

મેળાની સુરક્ષા માટે 1941 પોલીસ જવાનો અને એસઆરપીની 3 કંપની ફાળવવામાં આવી છે. જેમાં ડીસીપી જગદીશ બાંગરવા અને ડીસીપી પૂજા યાદવની રાહબરિમા ત્રણ એસીપી, 15 પીઆઇ, 43 પીએસઆઇ, તેમજ 520 હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, ટીઆરબીના 436 જવાન, અને હોમગાર્ડના 414 જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં 14 વોચ ટાવર અને એક ધાબા પોઇન્ટ પણ ગોઠવવામાં આવ્યો છે જ્યાંથી તમામ લોકમેળા ઉપર પોલીસની બાજ નજર રહેશે તેમજ દરેક ગેટ વાઇઝ એક પીએસઆઇને જવાબદારી સોંપવામાં આવી છે, જે હેન્ડસેટ અને મેટલ ડિટેક્ટ સાથે હાજર રહી ખાસ આવતા જતા લોકો પર નજર રાખશે તેમજ ખાસ ક્રાઈમ બ્રાન્ચ એસઓજીની ટીમો ખાનગી ડ્રેસમાં લુખ્ખા અને અસામાજિક તત્વો ઉપર નજર રાખી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તેનું ખાસ ધ્યાન રાખશે.

આ પણ વાંચો: રાજકોટના લોકમેળાને મળ્યું નવું નામ: હવે ‘શૌર્યનું સિંદૂર’ તરીકે ઓળખાશે…

ઉપરાંત પોલીસના જવાનો ચેંજનેચર પાકીટ અને મોબાઈલ કફડન્સી કરતા લુખ્ખાઓ ઉપર પણ ખાસ નજર રાખશે તેમજ મહિલા પીએસઆઇ ની નીચે બે સ્કોર અલગથી બનાવવામાં આવી છે જે મહિલા સ્નેચરસો પર નજર રાખી તફડંચી કરતી મહિલાઓને પકડવા માટે દોડતી રહેશે. ઉપરાંત મેળાના દરેક પોઇન્ટ પર અંદાજિત 43 જેટલા સીસીટીવી ગોઠવવામાં આવ્યા છે જેનું પોલીસ કંટ્રોલ રૂમ પરથી મોનિટરિંગ કરવામાં આવશે અને મેળાની તમામ ગતિવધી ઉપર નજર રાખવામાં આવશે.

શૌર્યનું સિંદૂર-2025 લોકમેળામાં ઉમટી પડનારા માનવ મહેરામણનાં નિયમન કરવાના આશયથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનનાં સંયુક્ત ઉપક્રમે તાલીમ અને માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનું હબ એટલે રાજકોટ શહેર અને આ શહેરમાં રેસકોર્સ ખાતેના લોકમેળામાં અનેક લોકો મેળો માણવા આવે છે. આવા સમયે જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે રહી જરૂરી વ્યવસ્થાઓ પર કામ કરે છે.

આ પણ વાંચો: રાજકોટના લોકમેળામાં જામશે રંગ, 15 લાખથી વધુ લોકો આવશે તેવો અંદાજ…

ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે મેળામાં કાયદો અને વ્યવસ્થા અંગેની ઝીણવટભરી માહિતી આપતા જણાવ્યું હતું કે, ક્રાઉડ મેનેજમેન્ટ એ ખૂબ જ પડકારરૂપ છે. ભીડ વ્યવસ્થાપનમાં સુચારૂ આયોજન જરૂરી છે. “શૌર્યનું સિંદૂર લોકમેળા”માં લોકોનાં વ્યવસ્થાપન સાથે વાહન પાર્કિંગની સુવિધામાં કોઇ તકલીફ ઉભી ન થાય તે બાબત પણ સુનિશ્ચિત કરવામાં આવશે. ઉપરાંત, સલામતીને લગતાં પોસ્ટર્સ પણ લગાવવામાં આવશે. મેળામાં જનમેદની વધી જાય તો તેને ડાયવર્ટ કરવા વોચ ટાવર પરથી સતત નજર રાખવામાં આવશે. એમ્બ્યુલન્સ સેવાઓ માટે ચોક્કસ રસ્તો નિયત કરવો અથવા વૈકલ્પિક વ્યવસ્થા માટે જરૂરી કામગીરી કરવામાં આવશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button