રાજકોટના લોકમેળા પર સંકટ: રાઇડ્સ અને સ્ટોલ માટે ઓછો પ્રતિસાદ, SOPમાં બાંધછોડનો પ્રશ્ન...

રાજકોટના લોકમેળા પર સંકટ: રાઇડ્સ અને સ્ટોલ માટે ઓછો પ્રતિસાદ, SOPમાં બાંધછોડનો પ્રશ્ન…

રાજકોટ: ગત વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્ર અને રાઇડ્સધારકો વચ્ચે એસઓપી સહિતની અનેક ગૂંચવણને કારણે રાજકોટના જન્માષ્ટમીના મેળાનું કોકડું ગૂંચવાયું હતું. ત્યારે આ વર્ષે પણ જન્માષ્ટમીના મેળામાં વિવાદ હજુ યથાવત રહ્યો છે.રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આગામી તા. 14 ઓગષ્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળાનો રાઇડસનો વિવાદ હજુ યથાવત રહેતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. રાઇડસના પ્લોટ અને લોકમેળાના સ્ટોલની સંખ્યાની સામે હજુ સુધીમાં માત્ર 20 જ ફોર્મ સબમીટ થયા છે.

કડક SOPના કારણે વેપારીઓ-સંચાલકો નિરસ
મળતી વિગતો અનુસાર આ વખતે લોકમેળા માટે કુલ ૨૩૮ પ્લોટ અને સ્ટોલ રાખવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર ૨૦ જ ફોર્મ સબમિટ થયા છે. વહીવટી તંત્ર દ્વારા ફોર્મ સબમિટ કરવાની મુદ્દત સતત ત્રીજી વખત લંબાવીને ૧૧ તારીખ કરવામાં આવી છે, તેમ છતાં કડક SOPના કારણે વેપારીઓ અને રાઇડ્સ સંચાલકો નિરસ જણાઈ રહ્યા છે.

SOPમાં બાંધછોડ કરવાની માંગ વણઉકેલી
રાઇડ્સ સંચાલકો છેલ્લા બે-ત્રણ દિવસથી નવા કલેક્ટર ડો. ઓમપ્રકાશને મળવા માટે કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને હજુ સુધી મુલાકાત મળી નથી. અગાઉ, રાઇડ્સ સંચાલકોએ મુખ્ય પ્રધાનને મળીને SOP માં બાંધછોડ કરવાની માંગણી કરી હતી, પરંતુ વહીવટી તંત્ર માટે કડક SOPમાં બાંધછોડ કરવી મુશ્કેલ બની રહી છે. રાઇડ્સ સંચાલકે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે હવે લોકમેળાને માત્ર દોઢ મહિના જેટલો જ સમય બાકી છે અને અમારા માટે નિયમ અનુસાર મેળો કરવો અશક્ય છે. મંજૂરી તેમજ ફાઉન્ડેશન સહિતની કાર્યપદ્ધતિમાં જ એક મહિનાથી વધુ સમય લાગે છે.

લોકમેળાને આડે હવે માત્ર દોઢ મહિનો જ બાકી
લોકમેળાને આડે હવે માત્ર દોઢ મહિનો જ બાકી રહ્યો છે ત્યારે ગ્રાઉન્ડ લેવલિંગ, સ્ટોલ-પ્લોટ ફાળવણી, ટેન્ડર પ્રક્રિયા જેવી કામગીરી આટલા ટૂંકા ગાળામાં કરવી મુશ્કેલ છે. લોકમેળા સમિતિ દ્વારા હજુ સુધી લાઇટિંગ, વીડિયોગ્રાફી કે અન્ય કોઈ બાબતની ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી નથી, જેમાં ૨૦ દિવસથી એક મહિના જેવો સમય લાગે છે. આ ઉપરાંત, રાઇડ્સ માટે ફાઉન્ડેશનની પ્રક્રિયા, લાઇસન્સ મેળવવામાં ૧૦-૧૦ દિવસ અને જીએસટી નંબર મેળવવામાં એક અઠવાડિયું લાગી શકે છે, જે આ પ્રક્રિયાને વધુ જટિલ બનાવે છે. જો કે આ મામલે તંત્રનો સીધો સંપર્ક સાધી શકાયો નથી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button