રાજકોટના લોકમેળાને મળ્યું નવું નામ: હવે ‘શૌર્યનું સિંદૂર’ તરીકે ઓળખાશે…

રાજકોટઃ રાજકોટના લોકમેળા આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ આખરે નક્કી કરવામાં આવ્યું હતું. આ વર્ષના મેળાને શૌર્યનો સિંદૂર લોકમેળો નામ આપવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો પાસેથી નવા નામ માટે અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા.
આ અભિપ્રાયોમાંથી શ્રેષ્ઠ 10 નામોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી લોકમેળા સમિતિએ આખરી નિર્ણય લઈને ‘શૌર્યનો સિંદૂર’ નામ પર મહોર મારી હતી. આ નવું નામ મેળાની ઓળખ અને થીમને વધુ આકર્ષક બનાવશે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 14થી 18 ઓગસ્ટ સુધી સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાશે. આ લોકમેળાને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને રેસકોર્સ મેદાન ખાતે રાઇડ્સ સંચાલકો દ્વારા યાંત્રિક રાઈડસ ઉભી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ યાંત્રિક રાઈડ્સમાં બેસનારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખી માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક વિભાગ દ્વારા થર્ડ પાર્ટી એજન્સીને યાંત્રિક રાઇડ્સની ચકાસણીનું કામ સોંપવામાં આવ્યું હતું. જે અંતર્ગત રેસકોર્સ મેદાન ખાતે યાંત્રિક રાઇડ બાબતે ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત મેળાઓમાંથી એક છે. દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન આ મેળાનું આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ‘શૌર્યનું સિંદૂર’ નામ શહીદોના બલિદાન અને લોકકલાના વારસાને સમર્પિત છે.
આ પણ વાંચો…રાજકોટ લોકમેળોની રાઈડ્સના 69 ફોર્મ ભરાયા, રમકડા-ખાણીપીણીમાં ઉદાસીનતા