રાજકોટમાં લોન અપાવવાના બહાને સાઢુએ કરાવી લીધો જમીનનો વેચાણ દસ્તાવેજ! પરત માંગતા 1 કરોડ માંગ્યા

રાજકોટ: તાલુકાના ખારચીયા ગામમાં રહેતા અને પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા રમેશભાઈ છગનભાઈ ભુવા સાથે તેમના જ સાઢુએ વિશ્વાસઘાત કરી, લોન અપાવવાના બહાને ખેતીની કિંમતી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લઈ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આજીડેમ પોલીસ મથકે નોંધાઈ છે.
ભોગ બનનાર રમેશભાઈની ફરિયાદ મુજબ, તેમના સાઢુ સુરેશભાઈ પોપટભાઈ તાલપરાએ સોપારીના ધંધામાં નુકસાનના બહાને પૈસાની જરૂર હોવાનું જણાવી રમેશભાઈની જમીન પર લોન લેવા માટે સમજાવ્યા હતા.
ઘટનાની વિગતો મુજબ, વર્ષ ૨૦૨૩માં સાઢુ સુરેશભાઈએ રમેશભાઈને વિશ્વાસમાં લીધા હતા કે તેમની ખારચીયા ગામની જમીન પર લોન કરાવી આપશે અને છ મહિનામાં તે લોન ભરપાઈ કરી દેશે.
આપણ વાચો: આઇઆઇટી બોમ્બેની નિવૃત્ત મહિલા અધિકારી સાથે 4.62 કરોડની છેતરપિંડી: બેની ધરપકડ…
આ પ્રક્રિયા માટે તેઓ રમેશભાઈને રાજકોટ ખાતે અલ્પેશભાઈ દોંગાની ઓફિસે લઈ ગયા હતા, જ્યાં લોનની સિક્યોરિટીના લખાણના બહાને કાગળો પર સહીઓ કરાવી લેવામાં આવી હતી. ત્યારબાદ મામલતદાર કચેરીએ લઈ જઈ રમેશભાઈને ૯.૬૦ લાખનો ચેક અપાવ્યો હતો, જે રકમ રમેશભાઈએ ઉપાડીને સાઢુ સુરેશભાઈને આપી દીધી હતી.
છેતરપિંડીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે માર્ચ ૨૦૨૫માં રમેશભાઈના ઘરે જમીન અંગેની ૧૩૫(ડી)ની નોટિસ આવી. તપાસ કરતા જાણવા મળ્યું કે, લોન લેવાને બદલે આરોપીઓએ ભેગા મળીને આ જમીનનો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ ધર્મેન્દ્રભાઈ ઠેસીયાના નામે કરાવી લીધો હતો.
આપણ વાચો: કંડલા સેઝમાં યુઝડ ક્લોથના વ્યવસાયમાં ગુડગાંવના વેપારી સાથે ૨૩.૭૨ કરોડની છેતરપિંડીથી ચકચાર
આ જાણીને રમેશભાઈ ચોંકી ઉઠયા હતા અને જ્યારે તેમણે સાઢુ અને અન્ય આરોપીઓ પાસે પોતાની જમીન પરત માંગી, ત્યારે આરોપીઓએ જમીન પરત આપવાના બદલે વ્યાજ સહિત કુલ ૧ કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
આ મામલે રમેશભાઈએ પોલીસ કમિશનરને અરજી કર્યા બાદ, આજીડેમ પોલીસ સ્ટેશનમાં સાઢુ સુરેશભાઈ તાલપરા, ધર્મેન્દ્રભાઈ ઠેસીયા, અલ્પેશભાઈ દોંગા અને પરસોતમભાઈ લુણાગરીયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
આરોપીઓએ છેતરપિંડી અને ભેળા મળીને કિંમતી જમીન હડપવાનો કારસો રચ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસ હવે આ ટોળકીના અન્ય ગુનાહિત ઈતિહાસ અને આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.



