રાજકોટ કેન્દ્રીય વિદ્યાલયમાં રૂ. 3 કરોડનું કૌભાંડ: આચાર્યની બોગસ સહી કરી ઉચાપત કરનારો કર્મચારી પકડાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં અંદાજે રૂ. 3 કરોડથી વધુનું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. શાળાના સિનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ દેવેન્દ્ર ગણાત્રાએ છેલ્લા છ વર્ષ દરમિયાન સરકારી ભંડોળમાં મોટી ઉચાપત કરી હોવાની આશંકા છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.
શાળાના આચાર્ય ગંગારામ મીણા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપીએ આચાર્ય અને અન્ય શિક્ષકોની બોગસ સહીઓ કરી ચેક અને બેંક ડોક્યુમેન્ટ્સ સાથે ચેડાં કર્યા હતા. વર્ષ 2021થી 2025 દરમિયાન અનેક વ્યવહારો દ્વારા શાળાના નાણાં અંગત રીતે ડાઇવર્ટ કરવામાં આવ્યા હતા. આ ગેરરીતિ ત્યારે પ્રકાશમાં આવી જ્યારે અમદાવાદ સ્થિત પ્રાદેશિક કચેરીએ બેંક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો બાબતે રાજકોટ પ્રશાસનને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં રૂ. 24 લાખની ઉચાપતની પુષ્ટિ થઈ હતી, પરંતુ ઓડિટ દરમિયાન જાણવા મળ્યું છે કે કુલ આંકડો રૂ. 3 કરોડને પાર કરી શકે તેમ છે. આરોપી કર્મચારી આગામી 31 ડિસેમ્બરે નિવૃત્ત થવાનો હતો, પરંતુ કૌભાંડ પકડાઈ જતાં તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે અને તેના તમામ નિવૃત્તિ લાભો અટકાવી દેવામાં આવ્યા છે. હાલમાં પોલીસ બેંકના દસ્તાવેજો અને હેન્ડરાઈટિંગ સેમ્પલના આધારે વધુ તપાસ કરી રહી છે.



