રાજકોટમાં કૃષ્ણ મહોત્સવની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી, પોલીસે સ્થિતિ થાળે પાડી

રાજકોટઃ ગુજરાતમાં જન્માષ્ટમીના ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આ દરમિયાન રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી. આ ઘટનામાં ચાર શખ્સો નશાની હાલતમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ક્યાં બની ઘટના
આ ઘટના રાજકોટના ગોંડલ રોડ પર બની હતી, જ્યાં શોભાયાત્રા પસાર થઈ રહી હતી. અચાનક કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. આ મારામારીને કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

80થી વધુ અલગ-અલગ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે વિશ્વ હિન્દુ પરિષદ 39 વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરે છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા 40મી શોભાયાત્રા યોજાઈ હતી. આ વર્ષે 22 કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં 80થી વધુ અલગ-અલગ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. મુખ્ય રથમાં ‘ઓપરેશન સિંદૂર’ના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. શોભાયાત્રાનું આયોજન પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવ્યું હતું, તેમ છતાં આ ઘટના બનતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મામલો શાંત પાડ્યો હતો. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં જન્માષ્ટમીએ માનવ મહેરામણ ઉમટ્યું: ત્રણ દિવસમાં 8 લાખ લોકોએ મોજ માણી