રાજકોટના લોકમેળામાં જામશે રંગ, 15 લાખથી વધુ લોકો આવશે તેવો અંદાજ…

રાજકોટઃ રાજકોટના લોકમેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. જેમાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે 15 લાખથી વધુની લોકો ઉમટવાની શક્યતા છે.
તંત્ર દ્વારા મેળાને લઈ રેસકોર્સ મેદાનમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પોલીસ અને વહીવટી તંત્ર સહિતના કંટ્રોલરૂમના ડોમ ઊભા કરી દેવાયા છે. હાલ વરસાદને ધ્યાનમાં રાખીને લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય તે માટે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા કપચી પાથરી જમીન સમથળ કરવામાં આવશે.
મ્યુઝિકલ ઇવેન્ટ યોજવામાં આવશે
આ વચ્ચે પ્રથમ વખત મેળામાં 234 માંથી 143 જેટલા સ્ટોલ અને પ્લોટ ખાલી રહી ગયા હતા. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા જૂની કલેકટર કચેરી ખાતે સ્થિત પ્રાંત અધિકારી દ્વારા ઓપન હરાજી રાખવામાં આવી હતી. હરાજી બાદ પણ સ્ટોલ કે પ્લોટ ખાલી રહેશે તો તે જગ્યાએ અલગ અલગ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને મ્યુઝિકલ ઇવેન્ટ થકી લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં આવશે. જેમાં અઘોરી ગ્રુપ, અનિરુધ્ધ આહિર, રાજુ જાદવ, રાજ ગઢવી અને અલ્પાબેન પટેલના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સામાજિક સંસ્થાઓને પણ સ્ટોલની ફાળવણી થશે.
સીસીટીવીથી પણ ચાંપતી નજર રાખવામાં આવશે
સૂત્રોના જણાવ્યા મુજબ, લોકમેળામાં રાખવામાં આવતા સ્ટોલ અને પ્લોટની વચ્ચે આગ કે અન્ય કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટના બને તો ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે તે પ્રકારના ડેડીકેટેડ રસ્તા રાખવામાં આવશે. આ સાથે જ લોકમેળામાં સીસીટીવીથી પણ ચાંપતી નજર રાખવામાં આવશે. જો એક સમયે વધુ ભીડ એકઠી થઈ હશે તો અમુક સમય માટે એન્ટ્રી ગેટ ઉપર લોકોનો પ્રવેશ અટકાવી દેવામાં આવશે અને ત્યારબાદ ફરી પ્રવેશ શરૂ કરવામાં આવશે.
14 ઓગષ્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનારા જન્માષ્ટમીના પાંચ દિવસના લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દર વખતની જેમ આ વખતે પણ લોકમેળામાં 90 કિલોવોટના 17 વીજ ટ્રાન્સફોર્મરમાંથી વીજ સપ્લાય કરવામાં આવશે. જેમા ચાર ફીડરમાંથી લોકમેળામાં વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં હાલ 10 જેટલા ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ છે. જયારે વધારાના 7 ટ્રાન્સફોર્મર તાબડતોબ રેસકોર્સ ગ્રાઉન્ડમાં મૂકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં ચકડોળ એટલે કે મોટી યાંત્રિક રાઇડની ટિકિટના દર રૂ.45 થી વધારી રૂ.50 કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. 34 યાંત્રિક રાઈડની હરાજી થકી વહીવટી તંત્રને રૂ.1.32 કરોડ તો કુલ 1.80 કરોડ જેટલી કમાણી થઈ હતી.
આ પણ વાંચો…એ હાલો મેળે….રાજકોટ લોકમેળામાં સરકારે એસઓપીમાં છૂટછાટ આપી…