રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળા 'શૌર્યનું સિંદુર'નો રંગારંગ પ્રારંભ; સૌરાષ્ટ્રવાસીઓને પાંચ દિવસનો જલસો | મુંબઈ સમાચાર

રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળા ‘શૌર્યનું સિંદુર’નો રંગારંગ પ્રારંભ; સૌરાષ્ટ્રવાસીઓને પાંચ દિવસનો જલસો

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે યોજાતા સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળાનો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા સમિતી દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજિત પાંચ દિવસના ‘શૌર્યનું સિંદુર’ લોકમેળાનો કેબીનેટ પ્રધાન રાઘવજી પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રાંધણ છઠ્ઠથી શરુ થયેલો આ મેળો 18 ઓગષ્ટ એટલે કે શ્રાવણ વદ દસમ સુધી ચાલશે. પાંચ દિવસના મેળાની રાજકોટ સહીત સૌરાષ્ટ્રવાસીઓ મનમૂકીને મોજ માણશે.

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાતા જન્માષ્ટમીના પરંપરાગત લોકમેળાનો જિલ્લા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેબીનેટ પ્રધાન મનસુખ માંડવીયા, રાજ્ય સરકારના કેબીનેટ પ્રધાન કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહ, ઉદય કાનગડ, રમેશ ટીલાળા, રાજકોટ મનપામાં મેયર નયનાબેન પેઢડીયા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટના સાંસદ પરશોતમ રૂપાલા, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતાં.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં સહેલાણીઓ માટે 6 એન્ટ્રી-એક્ઝિટ ગેઇટ, 16 -વોચ ટાવર, ચાર કંટ્રોલરૂમ, એક ઇમરજન્સી રૂટ, 1640 પોલીસ જવાન તૈનાત રહેશે, 100 સફાઈ કામદાર, 400 રેવન્યુ કર્મચારીઓ, 18 એનડીઆરએફના જવાન, 22 એસડીઆરએફના જવાન, 4 એમ્બ્યુલન્સ અને રૂ.8 કરોડનું વીમા કવચ જેવી પૂર્વ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

લોકમેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 15 લાખ જેટલા લોકોની વ્યવસ્થાને ધ્યાને રાખી 14 જગ્યા પર ફ્રી પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે આ 5 દિવસના મેળા માટે કુલ 1700 જેટલો બંદોબસ્ત અને ખાસ પાર્કિંગ સ્થળેથી વાહન ચોરી અટકાવવા પાર્કિંગ પ્લોટ પર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરી કંટ્રોલરૂમમાંથી મોનીટરીંગ કરવામાં આવશે.

તે ઉપરાંત રાજકોટના લોકમેળાને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. મેળાની અંદર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે 260 સફાઈ કામદારોને તૈનાત કરવામાં આવ્યા છે. આ લોકમેળો પુર્ણ થયા બાદ વધારાના પાંચ દિવસ સુધી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં કચરાના નિકાલ માટે 2 જેસીબી, 4 ડમ્પર અને 10 મીની ટીપરવાન કામે લગાડવામાં આવશે. ભલે આ મેળાનું આયોજન જિલ્લા કલેકટર કચેરી દ્વારા કરવામાં આવતું હોય, પરંતુ તેમાં સફાઈની જવાબદારી મહાપાલિકાને સોંપવામાં આવતી હોય છે. ત્યારે લોકમેળામાં 100 ટન કચરો નિકળે તેવા અંદાજ સાથે તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button