રાજકોટમાં જૈન વિઝનની ઉમદા પહેલ, 251 વંચિત બાળકોને ફનવર્લ્ડની પિકનિક કરાવી

રાજકોટ: સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા જૈન વિઝન દ્વારા રાજકોટ ખાતે સતત 12મા વર્ષે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વિવિધ સમાજલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દત્તક લેવામાં આવેલા વંચિત બાળકોને ફન વર્લ્ડની પિકનિક કરાવવામાં આવી હતી. સાથો સાથ સમસ્ત સમાજના વિદ્યાર્થીઓ માટે ભગવાન મહાવીર સ્વામી ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ તમામ બાળકોએ અવનવી રાઇડ્સની મજા માણી:
જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીના જણાવ્યા અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ છેવાડાના વિસ્તારોમાં રહેતા ગરીબ અને સુખ સુવિધાથી વંચિત બાળકો માટે ફન વર્લ્ડ ની પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું, 251 બાળકો આ પિકનિકમાં જોડાયા હતા. આ તમામ બાળકોએ અવનવી રાઇડ્સની મજા માણી હતી.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જૈન અગ્રણી જીતુભાઈ બેનાણીએ કર્યું હતું જ્યારે જીનિયસ સ્કૂલના ડી વી મહેતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આપણ વાંચો: વડોદરામાં મહિલાનો અશ્લીલ વીડિયો બનાવનાર ગઠિયો ઝડપાયો, કોણે નોંધાવી ફરિયાદ?
ભગવાન મહાવીર સ્વામી ચિત્ર સ્પર્ધાનું આયોજન:
જૈન વિઝન અને સમસ્ત જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામી ચિત્ર સ્પર્ધાનું પણ સતત સાતમાં વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું. રૈયા રોડ પર આવેલી એચ.એન. શુક્લ કોલેજમાં યોજાયેલી આ સ્પર્ધામાં સમસ્ત સમાજના સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ભગવાન મહાવીર સ્વામીના અલગ અલગ ભાવ દર્શાવતા ચિત્રો દોર્યા હતા.
આ ચિત્ર સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઉદ્ઘાટક તરીકે જયેશભાઈ શાહ અને અનિશભાઇ વાધર ઉપસ્થિત રહ્યા હતા.