રાજકોટ એરપોર્ટ પર શરૂ થશે કેબ સર્વિસ સ્નેક્સ બાર અને પટોળા સ્ટોર

અમદાવાદઃ રાજકોટમાં ૧૧ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટની તૈયારી માટે, સરકારી વિભાગોએ શહેરભરમાં વ્યવસ્થાઓ વધુ સઘન બનાવી છે. ઈન્ટરનેશનલ એરપોર્ટથી વેન્યુ સુધી આવતા સમયે દેશ-વિદેશના મહેમાનોને કોઈ અસુવિધા ન પડે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કોન્ફરન્સ દરમિયાન મુસાફરોના ટ્રાફિકમાં અપેક્ષિત વધારાને ધ્યાનમાં રાખીને, ૮ જાન્યુઆરીથી રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કેબ સેવાઓ શરૂ કરવામાં આવશે. મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુકિંગ ઉપરાંત મુસાફરોને મદદ કરવા માટે ટર્મિનલ બિલ્ડિંગની સામે પાર્કિંગ વિસ્તારમાં એક કાઉન્ટર ઊભું કરવામાં આવશે.
આપણ વાચો: રાજકોટ એરપોર્ટના કર્મચારીએ પોસ્ટનો કર્યો દુરુપયોગ, બે યાત્રીની ઠગાઈના કેસમાં પોલીસે ઝડપ્યો
વધુમાં, ટર્મિનલ બિલ્ડિંગની નજીકના પાર્કિંગ વિસ્તારમાં એક સ્નેક્સ બાર પણ શરૂ કરવામાં આવશે. જેથી વાયબ્રન્ટ સમિટ માટે આવતા મુસાફરો સહિત તમામને વાજબી ભાવે ચા, કોફી અને વિવિધ પ્રકારની ફૂડ આઈટમ્સ મળી રહે.
આ સાથે ટર્મિનલમાં જ એક અવસર નામે સ્ટોર ઊભો કરવામાં આવશે જ્યાં પાટણના ખૂબ જ પ્રસિદ્ધ પટોળાનું વેચાણ થશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આ પહેલ અહીં આવનારા મહેમાનોને ગુજરાતની પરંપરા અને કલાનો પરિચય આપશે અને કારીગરો અને વિતરકોને પણ લાભ થશે.



