રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત નહીંઃ પૂર્વ પ્રધાન ગોવિંદ પટેલે મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર

રાજકોટઃ શહેર પોલીસ દ્વારા 8 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન ગોવિંદભાઇ પટેલે મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાનને પત્ર લખી હેલ્મેટ કાયદો શહેરી વિસ્તારમાં લાગુ કરવામાં ન આવે અને શહેર બહાર હાઇ-વે રોડ પર ફરજિયાત કરવામાં આવે તે માટે રજુઆત કરી હતી.
શું લખ્યું છે પત્રમાં
રાજકોટ દક્ષિણ વિભાગના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાનને પત્ર લખી લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું કે, ઓનરેબલ જજ ગુજરાત હાઈ કોર્ટ મારફતે હેલ્મેટના કાયદાને અસરકારક બનાવવા માટે તા. 08.09.2025થી અમલ કરવાનું સરકારને ફરમાન છે. જે મહામૂલી માનવ જીંદગીને કમોતે મરતા અને હેમરેજથી મુત્યુને ભેટતા ટુ-વ્હીલર ચાલકોના હિતમાં નિર્ણય આપ્યો છે, જે આવકારદાયક છે પરંતુ, આપ સાહેબને નમ્ર અરજ કે જેના અમલમાં કેટલીક મુશ્કેલીઓ પણ છે જે આપના ધ્યાને મુકવા માંગુ છું. જે આપ સાહેબ હાઈ કોર્ટમાં તે અંગે કેટલીક રાહત માંગો તો તેનો ન્યાયિક ઉકેલ આવી શકે.

આપણ વાંચો: રાજકોટવાસીએ હેલ્મેટ કાઢી રાખજો, આ તારીખથી શરૂ થશે મેગા ડ્રાઈવ…
ખરીદી કરવા જઈએ ત્યારે હેલ્મેટને સાચવવું કે શોપિંગ કરવું?
તેમણે રજૂઆત કરતા જણાવ્યું કે, આ કાયદાનો ખાસ કરીને શહેરી વિસ્તાર પુરતો અમલ ન થાય કારણ કે, શહેરી વિસ્તારમાં વાહન 15થી 20 કિ.મીની ઝડપથી વધારે ચલાવવું ટ્રાફિકને કારણે શક્ય નથી. તેથી માનવ જીંદગી જોખમાય એવા અકસ્માત સંભવ નથી. આ ઉપરાંત પતિ-પત્ની અને એક કે બે બાળકને લઈને બજારમાં ખરીદી કરવા માટે જાય ત્યારે તે હેલ્મેટની સમસ્યા વધી જાય છે. ટુ-વ્હીલર પાર્ક કરીને 50થી 300 મીટર બજારમાં ચાલીને જવાનું હોય ત્યારે બાળકને સાચવવા, હેલ્મેટને સાચવવું કે શોપિંગ કરવું ખૂબ જ અઘરું બની જાય છે તેમજ 15થી 20ની સ્પીડથી ચાલતા વાહન અકસ્માતમાં હેમરેજ થાય એવી શક્યતા પણ નહીવત છે. શહેરી વિસ્તાર પૂરતા કોર્ટમાં રીક્વેસ્ટ કરીને મુક્તિ અપાવવી જોઈએ તેમ મારું અંગત માનવું છે. જયારે શહેરની બહાર હાઇ-વે ઉપર તેનો અમલ થાય તે આવશ્યક છે તેમ પણ હું માનું છું. આપ આ અંગે લીગલી શું કરી શકાય તે બાબતે ઘટતું કરશો એવી વિનંતી છે.
આપણ વાંચો: હેલ્મેટ જરૂર પહેરો અને ‘સૈયારા’ને પણ પહેરાવો: અમદાવાદ ટ્રાફિક પોલીસનો વીડિયો વાયરલ
ગોવિંદ પટેલની આ રજૂઆતના કારણે રાજકોટના લોકોમાં હેલ્મેટના નિયમમાં છૂટછાટ મળવાની આશા જાગી છે. તેમણે પત્રમાં જનતાની લાગણીઓને રજૂ કરી હતી અને મુખ્ય પ્રધાનને આ મામલે સકારાત્મક નિર્ણય લેવા રજૂઆત કરી હતી. લોકો હેલ્મેટના કાયદાથી રાહત ઈચ્છી રહ્યા હોવાનું ગોવિંદ પટેલના પત્ર પરથી સ્પષ્ટ થાય છે.