રાજકોટમાં હેલ્મેટના કાયદાનો કડક અમલ નહીં થાયઃ ધારાસભ્યોની રજૂઆત રંગ લાવી

રાજકોટઃ શહેરમાં હેલ્મેટ મુદ્દે પ્રથમ દિવસે જ વાહન ચાલકોમાં ફાટી નીકળેલા રોષ અને પ્રજાના પ્રતિનિધિઓની રજૂઆત બાદ સરકાર નરમ પડી હતી. રાજકોટના ધારાસભ્યો ઉદય કાનગઢ, રમેશ ટીલાળા અને ડો.દર્શિતા શાહે રાજ્યના ગૃહ પ્રધાન સમક્ષ સફળ રજૂઆત કરી હતી. તેમણે લોકોને દંડવાને બદલે ગુલાબનું ફૂલ આપી સમજાવવા માટે વિનંતી કરી હતી.
જે બાબતે સંઘવીએ પણ સરકાર પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. જેથી હવે રાજકોટમાં હેલ્મેટ ન પહેરતા લોકોને દંડવામાં નહીં આવે અને સામાજિક જાગૃતિ આપી સમજાવવામાં આવશે તેવું ધારાસભ્ય ટીલાળાએ જણાવ્યું હતું. બીજી તરફ પોલીસ કમિશનરે અચાનક પ્રેસ કોન્ફરન્સ કરી હેલ્મેટ પહેરતા લોકોને આભાર વ્યક્ત કર્યો હતો. જોકે આ દરમિયાન હેલ્મેટ ન પહેરતા ભાજપના લોકોને શા માટે દંડવામાં ન આવ્યા તેવું પૂછવામાં આવતા તેમને દરેક જગ્યાએ પોલીસ અવેલેબલ ન હોય તેવું કહી જવાબ આપવાનું ટાળ્યું હતું.

રાજકોટમાં ફરજિયાત હેલ્મેટનો બીજો દિવસ હેલ્મેટ પહેરેલા વાહન ચાલકોને પોલીસ દ્વારા ગુલાબ આપી સન્માન કરાયું હતું. ગૃહવિભાગના નિર્દેશથી સોમવારથી રાજકોટમાં હેલ્મેટના કાયદાની કડક અમલવારી શરૂ કરવામાં આવ્યા બાદ ઠેરઠેર પોલીસ-વાહન ચાલકો વચ્ચે બબાલ અને આ સામે ફાટી નીકળેલા પ્રચંડ રોષને ધ્યાને રાખી રાજ્ય સરકારે આખરે કુણું વલણ અપનાવવાનો નિર્ણય લીધો હતો. શહેરમાં હેલ્મેટના કાયદાની કડક અમલવારી બે મહિના સુધી મોકુફ રાખવા ગૃહખાતુ તૈયાર થયું હતું.
આ પણ વાંચો…રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત નહીંઃ પૂર્વ પ્રધાન ગોવિંદ પટેલે મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર
રાજકોટના ધારાસભ્યો રાજ્ય ગૃહ પ્રધાનને મળ્યા હતાં અને મુશ્કેલી વર્ણવી હતી. જેના અનુસંધાને વાહન ચાલકોને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસ દંડ કે કોઈ કાર્યવાહી નહી કરે પણ હેલ્મેટના ફાયદા અંગે લોકજાગૃતિ કેળવશે.