રાજકોટનું હિરાસર એરપોર્ટ ફરી વિવાદમાં: સામાન્ય વરસાદમાં પણ છતમાંથી ધોધમાર પાણી પડ્યું, જુઓ વીડિયો

રાજકોટ: સૌરાષ્ટ્રનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવખત ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પાછળ ૩૨૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ તાજેતરમાં સામે આવેલી એક ઘટનાએ કરોડોના ખર્ચા સામે પ્રશ્નો ઉભા કર્યા હતા. અરાઈવલ કન્વેયર બેલ્ટમાં છતમાંથી પાણીનો ધોધ પડી રહ્યો હોવાના વીડિયો સામે આવ્યા હતો, જેનાથી ઘણા પ્રશ્નો ઉભા થયા હતા.
મળતી વિગતો અનુસાર હિરાસર એરપોર્ટ ફરી એકવખત વિવાદમાં ઘેરાયું છે. અહેવાલો અનુસાર એરપોર્ટના અરાઈવલ કન્વેયર બેલ્ટમાં છતમાંથી પાણીનો ધોધ પડી રહ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ દ્રશ્યોથી ભ્રષ્ટાચારની બૂ આવી હતી. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ નિર્માણ પામ્યાના 6 મહિનામાં જ છતમાંથી પાણીનો ધોધ વહેતા નીચે ટબ મૂકવાની ફરજ પડી હોવાના દૃશ્યો સામે આવ્યા હતા. જો કે આ પહેલા પણ અરાઈવલ કન્વેયર બેલ્ટમાં છતમાંથી પાણી ટપકતા રીપેરીંગ કરવામાં આવ્યું હતું.
ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે કે જ્યાં નવા ટર્મિનલનું થોડા સમય પહેલા જ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ત્યાં જ સામાન્ય વરસાદમાં છતમાંથી પાણી ટપકતા હોવાની ગંભીર સમસ્યા અગાઉ સામે આવી ચૂકી છે. જ્યાં થોડું પાણી ટપકતું હતું ત્યાં એરપોર્ટ ઓથોરિટીના તંત્રએ તે છુપાવવા માટે વૃક્ષના કુંડા મૂકી દીધા હતા. જે બાદ હવે ફરી ચોમાસામાં વરસાદી પાણી પડતું હોવાની સમસ્યા સામે આવી છે. પ્રથમ દિવસે જ શૌચાલયમાં પાણી ખૂટી ગયું હતું
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ રાજકોટમાં પવન સાથે પડેલા ભારે વરસાદને કારણે રાજકોટ એરપોર્ટના પેસેન્જર પીકઅપ અને ડ્રોપ એરિયાની બહારના છત તૂટી પડી હતી.જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સર્જાય નહોતી પરંતુ તે સમયે પણ કરોડોના કામમાં થયેલા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. વડા પ્રધાન મોદી દ્વારા જુલાઈ 2023 માં રાજકોટ પાસે હિરાસરમાં એરપોર્ટના નવા બિલ્ડિંગનું લોકકાર્પણ કરવામાં આવ્યું હતું.