રાજકોટ CGSTનો મોટો સપાટો: ₹92.71 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું…

રાજકોટઃ રાજ્યમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ ફરી સક્રિય થયું છે. રાજક્ટોમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે અસ્તિત્વ ધરાવતી ન હોય તેવી બોગસ પેઢીઓ દ્વારા આચરાતું ₹92.71 કરોડનું નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડ પકડી પાડ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, માત્ર કાગળ પર જ અનેક શેલ કંપનીઓ ઉભી કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ બોગસ ઇન્વોઇસ જનરેટ કરી ગેરકાયદેસર રીતે આઈટીસી મેળવવાનો હતો, જેનાથી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થયું હતું.
સૂત્રધાર સહિત ત્રણ શખ્સોની ધરપકડ
તપાસમાં જાણવા મળ્યું છે કે, વ્યવહારોના બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને ઇન્વોઇસને રોટેટ કરીને આખું નેટવર્ક પૂર્વ આયોજિત રીતે ચલાવવામાં આવતું હતું. સીજીએસટીના અધિકારીઓએ આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરીને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.
આ કૌભાંડના અન્ય લાભાર્થીઓ, તેમાં સંડોવાયેલી પેઢીઓ અને આ નેટવર્ક દ્વારા પસાર કરાયેલા નકલી આઈટીસીના નાણાકીય વ્યવહારોની કડીઓ મેળવવા માટે હાલ આગળની તપાસ તેજ કરવામાં આવી હતી.



