કમોસમી વરસાદથી મગફળીનું ઉત્પાદન ઘટવાની ભીતિ: ખેડૂતોને ભાવ અને નુકસાનનો બેવડો માર...
રાજકોટ

કમોસમી વરસાદથી મગફળીનું ઉત્પાદન ઘટવાની ભીતિ: ખેડૂતોને ભાવ અને નુકસાનનો બેવડો માર…

રાજકોટ: સૌરાષ્ટ્રના મુખ્ય પાક ગણાતી મગફળીનું આ વર્ષે રાજકોટ જિલ્લામાં વાવેતર વધ્યું હોવા છતાં, કમોસમી વરસાદ અને બજારમાં નીચા ભાવને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. વાવેતરના વધારા છતાં ઉત્પાદન ઘટવાની શક્યતાને લીધે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે વાવેતર વધ્યું

રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગના આંકડા મુજબ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીનું વાવેતર નોંધપાત્ર રીતે વધ્યું હતું. 2024-25માં 2,68,000 હેક્ટરની સામે આ વર્ષે 3,29,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો થતાં તે વિસ્તાર મગફળી તરફ વળ્યો હતો, જેના કારણે વાવેતરમાં વધારો થયો હતો. ખેડૂતો મગફળીનો પાક વહેલો લઈ લીધા બાદ ઘઉં કે ચણા જેવા અન્ય પાકો વાવી શકે છે, જે વાવેતર વધવાનું મુખ્ય કારણ છે.

ઓછા ભાવથી ખેડૂતો ચિંતિત

જોકે, આ વધારા છતાં ઉત્પાદન પર સંકટ આવ્યું હતું. શરૂઆતમાં 9 થી 10 લાખ ટન ઉત્પાદનનો અંદાજ હતો, પરંતુ કમોસમી વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે હવે તેમાં 10 થી 15 ટકા જેટલો ઘટાડો થવાની આશંકા છે. વરસાદને કારણે પાકને સીધી અસર થતાં બજારમાં પણ આવક ઘટવાની શક્યતા છે.

ઉત્પાદન ઘટવાની ભીતિની સાથે ખેડૂતોને મગફળીના ભાવને લઈને પણ ચિંતા છે. ખેડૂતોના મતે, મગફળીનો પ્રતિ 20 કિલોનો ભાવ રૂ. 1300 થી 1400 મળવો જોઈએ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હાલમાં મગફળીના સોદા રૂ. 1100 થી 1200 પ્રતિ 20 કિલો બોલાઈ રહ્યા છે. યાર્ડમાં નીચામાં નીચો ભાવ રૂ. 700 અને ઊંચામાં ઊંચો ભાવ રૂ. 1300 આસપાસ નોંધાયો હતો.

રાજકોટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ, યાર્ડમાં 15 વિઘાનો મોટો શેડ ઉપલબ્ધ હોવાથી ચાલુ વરસાદમાં પણ ટોકન સિસ્ટમ શરૂ કરીને આવક મંગાવવામાં આવી રહી છે. ઓછા ભાવ મળવાના કારણે ખેડૂતોને કમોસમી વરસાદના નુકસાનની સાથે-સાથે બેવડો આર્થિક ફટકો પડી શકે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button