ગોંડલ પાસે ભયાનક અકસ્માત: પુલ પરથી ખાબકેલી કારમાં આગ લાગતાં 3 લોકો ભડથું

રાજકોટઃ રાજ્યમાં આજે સવારે ગોઝારા અકસ્માતની બીજી ઘટના સામે આવી હતી. ગોંડલ-આટકોટ હાઈવે પર આજે વહેલી સવારે એક કાળ કંપાવી દે તેવી ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર પુલ નીચે ખાબકતા તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિને બહાર નીકળવાનો મોકો મળે પહેલાં જ તેઓ જીવતા ભુંજાઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે કાર પૂરઝડપે જઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર રોડ પરથી નીચે ઉતરી જઈ પુલ નીચે ઊંધી ખાબકી હતી. કાર ઊંધી પડતા જ તેમાં શોર્ટ સર્કિટ અથવા ઈંધણ લીકેજને કારણે ભયાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે અંદર સવાર મુસાફરોને બારણું ખોલવાની પણ તક મળી ન હતી. ઘટનાની જાણ થતાં જ ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ નિયંત્રણમાં આવ્યા બાદ તપાસ કરતાં અંદરથી બે વ્યક્તિના માનવ હાડપિંજર મળી આવ્યા હતા.
પોલીસે અકસ્માત સ્થળે પંચનામું કરી મૃતકોની ઓળખ વિધિ માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. કારના નંબર અને એન્જિન નંબરના આધારે માલિકની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કરાયા હતા. રાજકોટ ગ્રામ્ય પોલીસના IPS ડૉ. નવીન ચક્રવર્તી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે ગોંડલ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.



