સોબત કરતા શ્વાનની…: દાદાને ઘરે રહેવા આવેલી બાળકીને શ્વાને બચકું ભરતા મોત…

અમદાવાદઃ શ્વાનની સોબત બન્ને બાજુથી દુઃખ આપે તેવી પંક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. જો શ્વાન ગુસ્સે થાય તો કરડે અને લાડ લડાવે તો ચહેરો ચાટે, આ બન્ને ઉપાધિ કરી શકે તેમ છે, ત્યારે આવી જ ઘટના રાજકોટમાં બની છે. અહીં રહેતો એક પરિવાર નિયમિત રીતે જે શ્વાનને ખાવાનું આપતો હતો, તેણે જ પરિવારની ચાર વર્ષની માસૂમ બાળકીને કરડી ખાધી છે.
વિશેષ દુઃખની વાત તો એ છે કે બાળકી મધ્ય પ્રદેશમાં રહેતી હતી અને રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ખાતે ચાર દિવસ પહેલા જ દાદાના ઘરે રહેવા આવી હતી. ઘટનાની વિગતો અનુસાર શાપર-વેરાવળમાં ભૂમિ ગેઈટ નજીક સવારે વિરલ અંબુભાઈ વિણામા નામની પાંચેક વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે રખડતા શ્વાને તેને ગળાના ભાગ પર કરડી ખાધી હતી.
અને તેના દાંત બેસી ગયા હતા, તેમ જ બાળકીના ગળામાંથી લોહી નીકળી રહ્યું હતું. પરિવાર પહેલા તેને શાપર અને પછીથી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ અહીં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
મૃતક બાળકી મધ્ય પ્રદેશમાં રહેતી હતી અને ચાર દિવસ પહેલા પરિવાર સાથે દાદાના ઘરે રહેવા આવી હતી. તેનાં દાદા મુકેશભાઈ અને તેમનો પરિવાર તેમ જ શેરીના લોકો અહીં રખડતા શ્વાનોને રોટલી વગેરે ખવડાવતા હતા.
જોકે આ પહેલી ઘટના નથી, દેશ અને ગુજરાતના વિવિધ ભાગોમાં રખડતા શ્વાનનો ભોગ લોકો બનતા રહે છે. આ ઘટના બાદ શાપર-વેરાવળના વિસ્તારોમાં પણ શ્વાન અને રખડતા ઢોરના આતંકથી લોકોમાં ફરી ફફડાટ જાગ્યો છે.