
રાજકોટઃ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના રૂ.૫૪૫.૦૭ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો મુખ્ય પ્રધાના વરદ્દ હસ્તે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ રૂ.૫૨૨.૫૦ કરોડના ૪૯ કામના ખાતમુહૂર્ત અને રૂ.૨૨.૫૭ કરોડના ૬ કામના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ “પ્રધાનમંત્રી આવાસ યોજના” અંતર્ગત નિર્માણ પામેલ કુલ-૭૦૯ આવાસો લાભાર્થીઓને ફાળવવા અંગે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો જેમાં EWS-1 પ્રકારના ૫૨૮, LIG-2 પ્રકારના ૧૩૭ અને EWS-2 પ્રકારના ૪૪ એમ કુલ-૭૦૯ આવાસોનો ડ્રો, UDY ડોક્યુમેન્ટરીનું નિદર્શન, શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ કોફી ટેબલ બુકનું વિમોચન અને QR Based સીટીઝન ફીડબેક સિસ્ટમનું લોન્ચિંગ પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું.
રાજકોટ જળ કટોકટી ભૂતકાળ બનીઃ ભૂપેન્દ્ર પટેલ
આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વમાં જે પ્રમાણે વિકાસ થઇ રહ્યો છે તેની લોકોને અનુભૂતિ પણ થઇ રહી છે. વિકાસની માત્ર વાતો નહિ પરંતુ નક્કર કામગીરીથી લોકોના જીવનધોરણમાં ક્રમશ: સુધારો થઇ રહ્યો છે. આપ જોઈ શકો છો કે જે કાઈ વિકાસલક્ષી પ્રોજેક્ટ હાથ ધરાય છે તેના લોકાર્પણ કે ખાતમુહુર્તની દર્શાવવામાં આવતી શોર્ટ ફિલ્મમાં જે દર્શાવવામાં આવે છે તે જ સુવિધાઓ નાગરિકોને ઉપલબ્ધ બને છે
તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, એક સમયે રાજકોટ જળ કટોકટીથી પીડાતું હતું, જોકે તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડવાના સ્વપ્નને સૌની યોજના થકી સાકાર કર્યું છે જેના આપ સૌ સાક્ષી છો. રાજકોટની જનતાને ટેન્કરથી પીવાનું પાણી મળતું હતું, જોકે સૌની યોજનાના સહારે લોકોને નર્મદાના નીર પ્રાપ્ત થયા છે અને જળ કટોકટી ભૂતકાળ બની ગઈ છે. ઉપરાંત તેમણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળનું રાજકોટ-હાલનું રાજકોટ અને આવનારું રાજકોટ કેવું છે તે અંગે રેસકોર્ષ ખાતે પ્રદર્શન યોજ્યું છે તેની ખુબ સરાહના કરી તમામ લોકોને આ પ્રદર્શન ખાસ નિહાળવા અને ભૂતકાળના રાજકોટને જાણવા વિનંતી કરી હતી.
એગ્રોથી લઈને એન્જીન ક્ષેત્ર સુધી વિકાસઃ જીતુ વાઘાણી
કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ તથા રાજકોટ જીલ્લાના પ્રભારી પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ સાથે મારે જુનો નાતો છે, જેની સાથે મેં કામ પણ કર્યું છે અને કામ લીધું પણ છે. આ ખળખળ વહેતી વિકાસની નદી આવે છે ગાંધીનગરથી પણ તેમાં રાજકોટ મહાનગરપાલિકા જેવી સંસ્થાઓના માધ્યમથી લોકોને વિવિધ યોજનાઓના લાભ મળે છે. આપણા દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો માટે વિવિધ યોજનાઓ બનાવવાનો સંકલ્પ લીધો છે. રાજકોટએ દિશામાં વિકાસ કરે છે. સેન્ચુરી પોઈન્ટની વાત કરીએ તો માળખાકીય સુવિધાઓની સાથે વિવિધ વિકાસના કામો થાય છે. રાજકોટ આમ જોઈએ તો સૌરાષ્ટ્રનું હબ કહેવાય છે જ્યાં એગ્રોથી લઈને એન્જીન ક્ષેત્રે વિવિધ વિકાસ નજરે દેખાયો છે. રાજકોટને મગફળીનું પીયરીયું પણ કહેવાય છે કેમકે મગફળી ક્ષેત્રે ખરીદી અને વેંચાણમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે.



