
રાજકોટઃ શહેરના ખોડલધામ નોર્થના ગરબામાં વીઆઈપી સીટ પર બેસેલા એક શખ્સને પાછળ બેસવાનું કહેવામાં આવતાં તેણે કાર્યકર્તાઓ સાથે બબાલ શરૂ કરી હતી. જ્યારે યુવકને બહાર લઈ જવામાં આવતો હતો ત્યારે છરી કાઢી હુમલો કર્યો હતો. જેમાં ત્રણથી ચાર કાર્યકર્તાઓને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
શું છે મામલો
ઘટનાની વિગત મુજબ, વીઆઇપી પાસ સાથે આવેલો એક યુવક આગળની હરોળમાં બેસીને ગરબા નિહાળી રહ્યો હતો. આ દરમિયાન અન્ય વીવીઆઇપી મહેમાનો આવવાના હોવાથી કાર્યકર્તાઓએ આ યુવકને પાછળની હરોળમાં બેસવા માટે વિનંતી કરી હતી. યુવકે પાછળ બેસવાનો ઈન્કાર કરી કાર્યકર્તાઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી. વધતા વિવાદને પગલે કાર્યકર્તાઓ યુવકને સ્થળની બહાર લઈ ગયા હતા. જ્યાં ઉશ્કેરાયેલા યુવકે અચાનક છરી કાઢી કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણથી ચાર લોકોને ઇજા પહોંચી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, “ખોડલધામના રાસ-ગરબાના આયોજન સ્થળે, પલસાણા ચોક રિંગ રોડ નજીક મારામારીનો બનાવ બન્યો હતો. એક કપલ પાસ લઈને બેઠું હતું. તે સમયે કોઈ VVIP ગેસ્ટ આવવાના હોવાથી તેમને થોડા અન્ય સોફા પર બેસવા જતાં રહેવા વિનંતી કરવામાં આવી હતી. આ બાબતે બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના યુનાઈડેટ વેમાં બે દિવસ પહેલા સિક્યુરિટી ગાર્ડ અને ખેલૈયા વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. મળતી વિગતો અનુસાર, મધરાતે યુનાઇટેડ વેના ગરબા મેદાનમાં અચાનક ખેલૈયાઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બબાલ થઈ હતી. જોકે તનું સાચું કારણ સામે આવ્યું નથી. એન્ટ્રી ગેટ પાસે કે ગરબા રમતી વખતે વિવાદ થયો હોવાની ચર્ચા છે.
આ પણ વાંચો…રાજસ્થાનમાં મુસ્લિમ યુવતીઓને ગરબાના પંડાલમાં ન મળી એન્ટ્રી: સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી!