રાજકોટ ગેમઝોન કાંડના આરોપી મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો, હવે ઇડી ગુનો નોંધી તપાસ કરશે…

રાજકોટ : રાજકોટના બહુચર્ચિત ગેમ ઝોન અગ્નિકાંડના સહઆરોપી અને ટીપીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે .જેમાં અનેક એજન્સીઓ ગુના નોંધ્યા બાદ ઇડી પણ સાગઠીયા પર ગાળિયો કસશે. જેની માટે ઇડીએ રાજકોટ મહાનગર પાલિકા પાસે સાગઠીયા વિરુદ્ધ ગુનો દાખલ કરવા મંજૂરી માંગી છે. મનસુખ સાગઠિયા વર્ગ- 1ના કર્મચારી હોવાથી તપાસની મંજૂરી માટે પહેલા સ્ટેન્ડિંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડમાં મંજૂરી માટે મુકાશે. જેમા બુધવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં સાગઠિયા વિરુદ્ધ મની લોન્ડરિંગ અંતર્ગત તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપવામાં આવશે. જનરલ બોર્ડની મંજૂરી બાદ સાગઠિયા સામે કાર્યવાહી કરવામાં આવશે.
આરએમસી પાસે મંજૂરી માંગી
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મુખ્ય સહઆરોપી અને રાજકોટ મનપાના પૂર્વ ટાઉન પ્લાનીગ અધિકારી મનસુખ સાગઠિયાની રૂપિયા 21 કરોડની મિલ્કતો પ્રિવેન્સન ઓફ મની લોન્ડરિંગ એકટની કલમ 5 હેઠળ તા.28.05.2024ના રોજ જપ્તીમા લીધા બાદ દિલ્હીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાજકોટ મહાનગર પાલિકા પાસે ફરિયાદ દાખલ કરવા મંજૂરી માગી છે.
સાગઠિયા વિરુદ્ધ એકસાથે 3 ફોજદારી કેસો નોંધાયા હતા
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની મહત્વની ભૂમિકા જણાઈ આવતા તેઓ સામે એક સાથે 3 ફોજદારી કેસો નોંધાયેલા હતા. જેમા ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ એક કેસ અને ભારતીય દંડ સહિતા હેઠળ બે કેસ કરવામાં આવ્યા છે.
આ કેસોની તપાસ દરમિયાન સામે આવ્યું હતુ કે ટી.પી.ઓ. મનસુખ સાગઠિયાએ 28 કરોડની અપ્રમાણસર મિલ્કત ધારણ કરેલ છે જે તેઓએ પોતાના પત્ની અને પુત્રના નામે વસાવેલ હતી તથા એક સ્થાવર મિલ્કતમાં તેમના પુત્ર કેયુરે અલ્કેશ રણછોડભાઈ ચાવડા નામના વ્યક્તિ સાથે સહમાલિકી રાખેલ હતી. આ કેસની જાણ એ.સી.બી.એ ઇડીને કરી હતી.
જેથી ઇડીએ તપાસ હાથ ધરી નિષ્કર્ષ કરેલ કે ટી.પી.ઓ. મનસુખ સાગઠિયાએ પોતાના નામે તથા તેમના પત્ની ભાવનાબેન સાગઠિયા અને પુત્ર કેયુર સાગઠિયા તથા અલ્કેશ રણછોડભાઈ ચાવડા નામના વ્યકિતઓના નામે મિલકતો વસાવેલી છે, જેમા સ્થાવર મિલકતો, જમીનો, કીમતી ઝવેરાતો તથા જુદી જુદી બેકોની ફિક્સ ડિપોઝિટનો સમાવેશ થાય છે.
મિલ્કતો અંગે ટ્રાન્સફરનો હુકમ ન કરવા ઇડીએ અરજી કરી
ઇડીની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ મિલ્કતોની કિમત 21 લાખથી વધુની થાય છે. આ મિલકતો પી.એમ.એલ.એ. એકટ હેઠળ કલકીત ગણી તેને કલમ 5 હેઠળ ઇડીએ જપ્ત કરી છે. હાલનો કેસ રાજકોટ એ.સી.બી.એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દાખલ કરી આરોપીની મિલકત કોર્ટ કસ્ટડીમાં સોપેલ હતી.
આ મિલ્કતો કોર્ટની કસ્ટડીમાં હોવાથી ઇડીએ અરજી કરી કોર્ટને જણાવ્યું હતું કે, પી.એમ.એલ. એકટની કલમ 8 હેઠળ હાલનો કેસ દિલ્લી ખાતે એડજયુડિકેટિંગ ઓથોરિટી સમક્ષ ચાલવાપાત્ર હોય આ મિલકતો અંગે ટ્રાન્સફર અંગેનો કોઈ હુકમ ન કરવા અરજી કરવામાં આવી છે. મનસુખ સાગઠિયા હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે.
આ પણ વાંચો : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું પણ મોત, DNA ટેસ્ટમાં થયો ખુલાસો