રાજકોટ

રાજકોટ ગેમ ઝોન કેસ: મનસુખ સાગઠિયાને તમામ કેસમાં જામીન મળ્યા, 16 મહિના બાદ જેલમુક્ત થશે

રાજકોટઃ શહેરના ટીઆરપી ગેમ ઝોન કાંડમાં તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાને ખોટી મિનિટ્સ બુક ઉભી કરવાના કેસમાં જામીન મળ્યા હતા. રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. મનસુખ સાગઠિયા વિરુદ્ધ કુલ ત્રણ જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી અગાઉ બે કેસમાં જામીન મંજૂર થઈ ગયા હતા. ખોટી મિનિટ્સ બુક ઊભી કરવાના કેસમાં જામીન મળતા હવે મનસુખ સાગઠિયા દિવાળી જેલની બહાર મનાવશે.

રાજકોટ શહેરના નાના મૌવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં 27 લોકોના મોત કેસમાં પોલીસે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં અગાઉ મનસુખ સાગઠિયા સહિત 8 આરોપીને કોર્ટે જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. જો કે, મનસુખ સાગઠિયા વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)માં 28 કરોડથી વધુ અપ્રમાણસર મિલકત કેસમાં તે જેલમાં બંધ હતા. 13 ઓક્ટોબર, 2025 કોર્ટ દ્વારા એસીબીના કેસમાં જામીન મંજૂર કરવામાં આવતા સાગઠિયા પણ દિવાળી તહેવાર પરિવાર સાથે મનાવી શકશે. 16 મહિના પછી સાગઠિયાને જેલમાંથી મુક્તિ મળશે.

આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાને કોર્ટે શું આપ્યો મોટો ઝટકો?

થોડા દિવસ પહેલા ગેમ ઝોનવાળી જમીનના માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી હતી. રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે સુપ્રીમ કોર્ટે અગાઉ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, જમીન માલિક અશોકસિંહ જગદીશસિંહ જાડેજાના જામીન મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બનાવની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના વડા સુભાષ ત્રિવેદીએ આ કેસના દોષિતોને કડકમાં કડક સજા થાય તે માટે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો. જો કે, ત્યાર બાદ ગોકળગાય ગતિએ કાર્યવાહી થતા આ કેસની ટ્રાયલ શરૂ થાય તે પહેલા જ પાંચ આરોપીનો જામીન પર છુટકારો થઈ ચૂક્યો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button