રાજકોટમાં સાતમ-આઠમ પૂર્વે ‘હાઈટેક’ જુગાર રેકેટનો પર્દાફાશઃ ક્રાઈમ બ્રાન્ચે ગઠિયાને પકડ્યો…

રાજકોટ: સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારનો અનોખો જ ઉત્સાહ જોવા મળતો હોય છે, પરંતુ આ સમય દરમિયાન જ જુગાર પણ ખૂબ રમવામાં આવે છે. સાતમ આઠમના તહેવાર પર લોકો જુગાર રમવામાં લાગી જતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાંથી હાઈટેક જુગાર રેકેટનો પર્દાફાશ થયો હતો.
મળતી વિગતો અનુસાર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પુનીતનગર વાવડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડામાં એક હાઈટેક જુગાર રેકેટનો પર્દાફાશ થયો હતો. આ દરોડામાં પોલીસે વિપુલ પટેલ નામના શખસના ઘરેથી એવા ગંજીપાના જપ્ત કર્યા હતા, જે મોબાઈલ એપથી સ્કેન કરેલા હતા અને તેના પર ખાસ પ્રકારનું કેમિકલ લગાવેલું હતું.
પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ કેમિકલવાળા પત્તા સામેવાળા ખેલાડી જોઈ શકતા ન હતા, પરંતુ જુગાર રમનાર વ્યક્તિ આંખમાં ખાસ સોફ્ટ કોન્ટેક્ટ લેન્સ પહેરીને સામેવાળાના તમામ પત્તા જોઈ શકતો હતો.
આ ઉપરાંત, ઘરમાંથી સેન્સરયુક્ત મોબાઈલ અને બ્લુટૂથ પણ મળી આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે વિપુલ પટેલની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ મામલે અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટનાએ રાજકોટમાં જુગારની નવી અને હાઈટેક પદ્ધતિઓ સામે આવી હોવાનું દર્શાવ્યું હતું