રાજકોટમાં એફડીએની મોટી કાર્યવાહી: 160 કિલો સડેલા બટાકા અને વાસી ખોરાકનો નાશ...
રાજકોટ

રાજકોટમાં એફડીએની મોટી કાર્યવાહી: 160 કિલો સડેલા બટાકા અને વાસી ખોરાકનો નાશ…

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરપ્રાઈઝ ચેકિંગમાં અખાદ્ય અને વાસી ખોરાકનો મોટો જથ્થો મળી આવ્યો, જેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

ફૂડ વિભાગની ટીમે 160 કિલોગ્રામ સડેલા અને બિનઆરોગ્યપ્રદ બટાકા જપ્ત કરીને નાશ કર્યા હતા. આ ઉપરાંત, માનવ વપરાશ માટે અયોગ્ય એવી દુર્ગંધ મારતી અને કલરયુક્ત ચટણી પણ મળી આવી હતી, જેનો પણ નાશ કરવામાં આવ્યો હતો.

ચેકિંગ દરમિયાન 70 કિલો દાઝીયું અને ફરીથી ઉપયોગમાં લેવાયેલું તેલ પણ મળી આવ્યું હતું, જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોવાથી તેનો પણ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.

લાઈસન્સ વિનાની દુકાનોને નોટિસ
ફૂડ વિભાગે ગરમ ખાદ્યતેલનું ટીપીસી લેવલ પણ તપાસ્યું હતું. આ સાથે, જે વેપારીઓ પાસે લાઇસન્સ નહોતું અથવા તો જેમના લાઇસન્સની મુદત પૂરી થઈ ગઈ હતી, તેમને તાત્કાલિક ટેમ્પરરી લાઇસન્સ મેળવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

મનપાના ફૂડ વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો…રાજકોટમાં દૂષિત પાણીનો મામલો ગરમાયોઃ 26 સેમ્પલ ફેઇલ!

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button