એ હાલો મેળે….રાજકોટ લોકમેળામાં સરકારે એસઓપીમાં છૂટછાટ આપી…

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટના જાણીતા લોકમેળાને લઈ સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) જાહેર કરી હતી. મેળામાં આરસીસી ફાઉન્ડેશન અનિવાર્ય રહેશે નહીં, જ્યારે સોઈલ ટેસ્ટ પણ માન્ય રહેશે. આ સિવાય અન્ય નિર્ણય લેવાનું સ્થાનિક પ્રશાસન પર છોડવામાં આવ્યું હતું. જિલ્લા શહેરોમાં ઇન્સ્પેશન કમિટીમાં વર્ગ 2 કક્ષાના ઇજનેરીની નિમણૂંક કરવાની રહેશે. ટેમ્પરરી મેળા માટે 90 દિવસ માટેનું લાઇસન્સ મળી શકશે. મેળા આયોજકોએ એમેઝમેન્ટ રાઇટ અને ગેમિંગ ઝોન એક્ટિવિટી સેફટી રુલ્સ 2024 હેઠળ અરજી કરવાની રહેશે.
લોકમેળાની રાઈડસની એસઓપીનો વિવાદ છેલ્લા એક વર્ષથી વકર્યો હતો જેના પગલે તેની સામે રાઈડસ સંચાલકોએ લડતના મંડાણ કર્યા હતા. રાજકોટના ભાતીગળ લોકમેળાની રાઈડસના મુદે ગત વર્ષે રાઈડસ સંચાલકોએ હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. ત્યારબાદ ચાલુ વર્ષે પણ લોકમેળા માટે રાઈડસ સંચાલકોએ પ્લોટ માટેના ફોર્મ નહીં ભરી રાઈડસ માટેની એસઓપીમાં છુટછાટ આપવાની માંગણી ઉઠાવી આ પ્રકરણમાં રાજયના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, રાજય સરકારના યાંત્રિક વિભાગના સચીવ તેમજ સાંસદને રજૂઆત કરી હતી.
જેના પગલે અંતે આજે રાજય સરકારના ગૃહ વિભાગના ઉપ સચીવ શ્રધ્ધા પરમારે લોકમેળા-ગેમઝોન અંગે એસઓપીમાં છુટછાટ આપતો ખાસ પરિપત્ર ઈશ્યુ કર્યો હતો. જે અંતર્ગત લોકમેળાઓમાં રાઈડસના લાયસન્સ આપવા અંગેના સૂચનો કરવામાં આવ્યા હતા.