રાજકોટ

રાજકોટમાં ચકડોળ વગર જ લોકમેળો યોજાશે, તંત્રએ શરૂ કરી તૈયારી

રાજકોટઃ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાતમાં વિખ્યાત રાજકોટના લોકમેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જન્માષ્ટમીના ભાતીગળ પાંચ દિવસીય લોકમેળો આ વખતે રાઈડસ વગર જ યોજવો પડે તેવા સંજોગોનું નિર્માણ થવા પામ્યું છે. લોકમેળાના 238 સ્ટોલ સામે માત્ર 27 ફોર્મ જ ભરાઈને સબમિટ થયા છે.

લોકમેળા માટે કલેકટરતંત્ર દ્વારા આ વખતે સ્ટોલના ફોર્મની મુદતમાં સતત ત્રીજી વખત વધારો કરવા છતાં વેપારીઓએ લોકમેળાની આકરી એસઓપીના પગલે સ્ટોલ લેવા માટે રસ દાખવ્યો નથી. જેના પગલે આ મેળાના આયોજન સામે હાલ પ્રશ્નાર્થ ખડો ઉભો છે. લોકમેળા સમિતિને આ વખતે યાંત્રીક રાઈડસ તો ઠીક પણ સ્ટોલ વેચવાના પણ ફાંફા પડ્યા છે.

આપણ વાંચો: તો ‘રંગીલા’ રાજકોટની શાનસમાન ‘લોકમેળા’ના આયોજનમાં ભંગ નહીં પડે…

યાંત્રિક રાઈડસની એસઓપીમાં છુટછાટ આપવાની માંગણી સાથે રાઈડસ સંચાલકોએ ગાંધીનગરમાં સીએમઓ, ગૃહ પ્રધાન, મુખ્ય પ્રધાન, યાંત્રીક રાઈડસ વિભાગના સચિવ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. પરંતુ એસઓપીમાં બાંધછોડ કરવાના મામલે તંત્રએ રસ નહી દાખવતા રાઈડસનો પ્રશ્ન હજુ જેમને તેમ અદ્ધરતાલ હોવાથી આ વખતે મોટી રાઈડસ વગર જ રાજકોટનો રંગીલો લોકમેળો યોજવો પડે તેવી નોબત આવી પડી છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ આ લોકમેળામાં હવે રાઈડસના બદલે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કવીઝ, મનોરંજન આપતી સ્પર્ધાઓ જેવા કાર્યક્રમો સાથે પ્લાન-બી ના આયોજન તરફ આગળ વધવાનું શરુ કર્યું છે. લોકમેળાના રિવાઈઝડ પ્લાન માટે જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે ખાસ બેઠક યોજવામાં આવી હતી. રાઈડસ વગરનો આ લોકમેળો કેવો રહેશે તે અંગે પણ લોકોમાં ચર્ચા શરૂ થઈ છે.

આપણ વાંચો: રાજકોટના લોકમેળા પર સંકટ: રાઇડ્સ અને સ્ટોલ માટે ઓછો પ્રતિસાદ, SOPમાં બાંધછોડનો પ્રશ્ન…

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં ભાતીગળ લોકમેળામાં રાઈડસનું આકર્ષણ રહેતુ હતું. આ મેળાને મહાલવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી લાખોની જનમેદની ઉમટી પડે છે.

પરંતુ આ વખતે રાજય સરકારની રાઈડસ માટેની આકરી એસઓપી આરસીસી ફાઉન્ડેશન, સ્ટ્રકચર સ્ટેબીલીટી સર્ટીફીકેટ અને જીએસટી સાથેનું રાઈડસનું બીલ વહીવટીતંત્ર દ્વારા માંગવામાં આવતા રાઈડસ સંચાલકોએ તેની સામે નારાજગી દર્શાવી અને એસઓપીમાં છૂટછાટ આપવાની માંગણી કરી રહ્યા છે. પરંતુ રાજય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા તેને મચક હજુ આપવામાં આવી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button