શું આ વર્ષે રાજકોટનો લોકમોળો રાઇડ વિના જ યોજાશે?
પેટાઃ લોકમેળાની રાઈડ્સ કે સ્ટોલ માટે ફોર્મ નહીં આવતા તંત્ર દોડતું થયું

રાજકોટઃ રાજકોટનો લોકમેળો માત્ર સૌરાષ્ટ્ર નહીં સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આગામી 14 ઓગસ્ટથી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીનાં પાંચ દિવસીય લોકમેળા માટે રાઈડસ સંચાલકોએ હજી સુધી એક પણ ફોર્મ ભરી સબમિટ નહીં કરાવતા તંત્ર હરકતમાં આવ્યું હતું.
કેટલા ફોર્મ થયા છે જમા
એસઓપીનાં કડક નિયમોના પગલે રાઈડસ સંચાલકોએ ફોર્મ ઉપાડવાનું અને ભરવાનું ટાળ્યું હતું. બીજી તરફ કલેકટર ડો.ઓમપ્રકાશે પણ રાઈડસ સંચાલકોની બેઠક બોલાવી એસઓપીમાં કોઈ બાંધછોડ નહીં થાય તેવું જાહેર કર્યું હતું.
લોકમેળા માટે હજુ 20 ફોર્મ સ્ટોલનાં જમા થયા છે. જો હવે પુરતા ફોર્મ નહીં આવે અને રાઈડ્સ સંચાલકો પણ મેળામાં ભાગ ન લે તો વૈકલ્પિક વ્યવસ્થા શું કરવી? તેને લઈને ખાણીપીણી-આઈસ્ક્રીમ સહિતના સ્ટોલો માટે વેપારીઓનો સંપર્ક કરવા માટે અધિકારીઓ દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી હતી.
આપણ વાંચો: પરબ વાવડી ખાતે અષાઢી બીજનો ભવ્ય લોકમેળો યોજાયો: કરશનદાસ બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણ…
ફોર્મ ભરવાની કઈ છે અંતિમ તારીખ
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ રાઇડ સંચાલકોની કલેક્ટર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે રાજ્ય સરકારની એસઓપીમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવાની ના પાડી દીધી હતી.
તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 જુલાઈ છે અને તેમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. કલેક્ટરે એમ પણ જણાવ્યું કે, જો છેલ્લી તારીખ સુધી એક પણ રાઇડ સંચાલક દ્વારા ફોર્મ ભરવામાં નહીં આવે, તો આ વર્ષે રાઇડ વિના જ લોકમેળો યોજાશે.
આપણ વાંચો: પરબ વાવડી ખાતે આજે ભવ્ય લોકમેળો: લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે, અમર મા-દેવીદાસ બાપુની સેવાનો સ્મૃતિ ઉત્સવ…
50 વર્ષથી યોજાતા લોકમેળામાં એકેય દુર્ઘટના બની નથી
એસોસિએશને જણાવ્યું કે જન્માષ્ટમી મહિનામાં સૌરાષ્ટ્રમાં એક પણ લોકમેળાનું આયોજન થશે નહીં. તેમની મુખ્ય માંગણી છે કે રાઇડ્સ હેઠળ સિમેન્ટના આરસીસી ફાઉન્ડેશનને બદલે કડક લોખંડની પ્લેટ મૂકવાની છૂટ આપવામાં આવે.
એસોસિએશને દલીલ કરી છે કે 50 વર્ષથી યોજાતા લોકમેળામાં અત્યાર સુધીમાં એક પણ દુર્ઘટના બની નથી. કાયમી એમ્યુઝમેન્ટ પાર્ક કે જે બારેમાસ ચાલુ રહેતા હોય છે તેની એસઓપી ટેમ્પરરી મેળા માટે લાગુ પાડવી શક્ય નથી.