Rajkot જીલ્લાની 5 પાલિકાઓની ચૂંટણી માટે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ
રાજકોટ: રાજકોટ(Rajkot)સહિત રાજ્યભરની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે. આ દરમ્યાન રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલિકાઓની યોજાનાર ચૂંટણી માટે આખરી મતદાર યાદીની પ્રસિધ્ધ કરી દેવામાં આવી હતી.રાજકોટ જીલ્લામાં જસદણ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા એમ પાંચ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. જયારે ચાર તાલુકા પંચાયત જેમાં ઉપલેટા, જસદણ, જેતપુર અને ગોંડલ તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી પણ નગરપાલિકાઓની ચૂંટણીની સાથે જ યોજાશે. જેમાં ઉપલેટા તાલુકા પંચાયતની ડુમિયાણી અને મોટી પાનેલી, જસદણ તાલુકા પંચાયતની આંબરડી અને ભાડલા, જેતપુર તાલુકા પંચાયતની પીઠડીયા અને ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠકની પેટા ચૂંટણી યોજાશે.
રીટર્નીંગ ઓફીસરોની ખાસ બેઠક આયોજીત કરવામાં આવી
અત્રે ઉલ્લેખનીય છે કે રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આગામી તા.1 ફેબ્રુઆરી સુધીમાં કોમ્યુનિકેશન પ્લાન તૈયાર કરવા માટે તમામ જીલ્લા કલેકટરોને આદેશ કરી દેવામાં આવેલ છે. રાજકોટ જીલ્લામાં પાંચ પાલિકાઓની ચૂંટણીની સાથે ચાર તાલુકા પંચાયતની છ બેઠકોની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જીલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા કમ્મર કસવામાં આવી છે. આ અંગે બપોરના જીલ્લા કલેકટર કચેરી ખાતે રીટર્નીંગ ઓફીસરો તેમજ આસી. રીટર્નીંગ ઓફીસરોની ખાસ બેઠક આયોજીત કરવામાં આવી હતી.
118 મતદાન બુથો તૈયાર કરાશે
રાજકોટ જીલ્લામાં પાંચ નગરપાલિકાઓની 168 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં 324 મતદાન મથકો રહેશે. જેમાં જસદણ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે આ માટે 44 મતદાન બુથો ઉપર મતદાનની પ્રક્રિયા થશે. જયારે જેતપુર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી યોજાશે. આ માટે 118 મતદાન બુથો તૈયાર કરાશે.
જયારે ધોરાજી પાલિકાના 9 વોર્ડની 36 બેઠકોની ચૂંટણી યોજાશે. આ માટે 85 મતદાન બુથો તૈયાર કરાશે. જયારે ભાયાવદર પાલિકાના 6 વોર્ડની 24 બેઠકની ચૂંટણી યોજાશે અને આ માટે 21 બુથો તૈયાર કરાશે તેમજ ઉપલેટા પાલિકાની 9 વોર્ડની 36 બેઠકની ચૂંટણી યોજાશે. જે માટે 26 મતદાન બુથો પર મતદાનની પ્રક્રિયા થશે.
રીટર્નીંગ ઓફીસરને તાલીમ આપી સજજ કરાયા
પાલિકાની ચૂંટણી માટે રીટર્નીંગ ઓફીસરો અને મદદનીશ રીટર્નીંગ ઓફીસરને તાલીમ આપી સજજ કરવામાં આવી રહ્યા છે. જીલ્લામાંનગરપાલિકાઓની શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કમર કસી લેવામાં આવી છે.