રાજકોટ

સૌરાષ્ટ્રમાં 16 કલાકમાં ભૂકંપના 21 આંચકાથી ભારે ફફડાટ, કડકડતી ઠંડીમાં ઘણાં લોકો બહાર પડી રહ્યાં

રાજકોટ: સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ઉપલેટા, ધોરાજી અને જેતપુર તેમજ ગોંડલ તાલુકાના વિસ્તારોમાં ગુરુવાર સાંજથી શુક્રવાર બપોર સુધી ભૂકંપના આંચકાઓનો દોર જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રિક્ટર સ્કેલ પર ૧.૪ થી ૩.૮ ની તીવ્રતાના કુલ ૨૧ આંચકાઓ નોંધાયા હતા, જ્યારે ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ ૨.૬ થી ૩.૮ ની તીવ્રતાના ૧૨ આંચકાઓની પુષ્ટિ કરી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી ૨૭ થી ૩૦ કિમી દૂર હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે, આ કુદરતી ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ કે મિલકતને મોટા નુકસાનના સમાચાર નથી.

ગુરુવારે રાત્રે ૮:૪૩ વાગ્યે ૩.૩ ની તીવ્રતાના પ્રથમ આંચકા સાથે શરૂ થયેલો આ સિલસિલો શુક્રવાર બપોર સુધી ચાલ્યો હતો. વારંવાર આવતા આંચકાઓને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને રાત્રિના સમયે અનેક પરિવારો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘર છોડીને ખુલ્લા મેદાનોમાં આશરો લેવા મજબૂર બન્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પ્રથમ આંચકો એટલો તેજ હતો કે લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા હતા અને શુક્રવાર બપોર સુધી સમયાંતરે હળવી ધ્રુજારી અનુભવાતી રહી હતી.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા, રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ શુક્રવારે ધોરાજી અને જેતપુર તાલુકાની અંદાજે ૧૧૮ સરકારી શાળાઓમાં રજા જાહેર કરી દીધી હતી. જેતપુરની ખાનગી શાળાઓએ પણ સલામતીના ભાગરૂપે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અસરગ્રસ્ત વિસ્તારોની તમામ આંગણવાડીઓ અને જર્જરિત મકાનોમાં ચાલતી શાળાઓમાં પણ રજા આપવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા તલાટીઓ અને સરપંચો મારફતે જૂના અને જોખમી મકાનોની ઓળખ કરી લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો…સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં ભૂકંપના ઉપરાછાપરી 10 આંચકાથી ફફડાટ, લોકો ઘર બહાર ભાગ્યાં, સ્કૂલ-આંગણવાડીઓમા રજા જાહેર…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button