રાજકોટમાં ભાઈબીજના દિવસે બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો! ૨૪૪ ગ્રામ સોના સહિત લાખોની રોકડની ચોરી…

રાજકોટ: દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટના મવડી ગામ નજીક આવેલી કે.ડી. પાર્ક વિસ્તારમાં એક વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને મોટી ચોરીને અંજામ આપ્યો હતો. વેપારી પરિવાર ભાઇબીજના દિવસે જામનગર જિલ્લાના વડાળા ગામે રહેતા તેમના બહેનના ઘરે ગયો હતો, તે દરમિયાન ચોરીની આ ઘટના બની હતી. ચોરો ઘરમાંથી રૂ.૨૪.૭૦ લાખના સોના-ચાંદીના દાગીના અને રૂ. ૨ લાખ રોકડા મળીને કુલ રૂ. ૨૬,૭૦,૦૦૦ ની મતા ચોરી ગયા હતા.
તહેવારમાં પરિવાર ગયો હતો બહાર
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, કે.ડી. પાર્ક શેરી નં. ૧ માં રહેતા વેપારી ચિરાગભાઈ અશોકભાઈ મેઘાણી (ઉ.વ. ૩૧) એ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ચિરાગભાઈ તેમના પરિવાર સાથે તા. ભાઈબીજના રોજ સવારે જામનગરના વડાળા ગામે તેમના બહેનના ઘરે ગયા હતા. બહેનના ઘરેથી ગઇકાલ રાત્રીના આશરે દસ વાગ્યાની આસપાસ તેઓ ઘરે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજાનું લોક તૂટેલો મળી આવ્યો હતો અને ઘરમાં પ્રવેશતા બેડરૂમમાં રાખેલા બે લોખંડના કબાટના લોક ખોલીને ચોરોએ અંદર રાખેલ તમામ કીમતી વસ્તુઓ ચોરી કરી હતી.
કુલ ૨૪૪ ગ્રામ સોનાના દાગીનાની ચોરી
ચિરાગભાઈની ફરિયાદ મુજબ, તસ્કરોએ તેમના અને તેમના માતા-પિતાના રૂમમાં રાખેલ કબાટોમાંથી કુલ ૨૪૪ ગ્રામ સોનાના દાગીના, ૨૬૨ ગ્રામ ચાંદીના દાગીના અને રૂ. ૨,૦૦,૦૦૦ રોકડા રૂપિયા મળીને કુલ રૂ. ૨૬,૭૦,૦૦૦ની મતાની ચોરી કરી હતી. પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દિવાળીના સમયમાં જ આટલી મોટી ચોરી થતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા.



