રાજકોટ

Rajkot જિલ્લાની પાંચ નગર પાલિકાનું ચિત્ર સ્પષ્ટ, જસદણમાં 66 ઉમેદવારો

રાજકોટ: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.21 જાન્યુઆરી 2025થી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમા મુકવામાં આવી છે. રાજકોટ(Rajkot)જિલ્લામાં ભાયાવદર, જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી અને ઉપલેટા સહીત કુલ પાંચ નગરપાલિકાની ચૂંટણી યોજાશે અને આ માટે કુલ 168 બેઠક પર 571 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જે પૈકી 50 ફોર્મ અમાન્ય થતા કુલ 521 ફોર્મ માન્ય રહ્યા હતા અને મંગળવારે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા ચિત્ર સ્પષ્ટ થયું હતું. આગામી તા.16 ફેબ્રુઆરીએ સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા અને 18 ફેબ્રુઆરીના રોજ મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Rajkot જીલ્લાની 5 પાલિકાઓની ચૂંટણી માટે આખરી મતદાર યાદી પ્રસિધ્ધ

જસદણમાં 66 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

રાજકોટ જિલ્લાના જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં કુલ 7 વોર્ડમાં ભાજપના 28, કોંગ્રેસના 23 અને આમ આદમી પાર્ટીના 14 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. એટલે કે જસદણ નગરપાલિકાની 2025ની ચૂંટણીમાં કુલ 66 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જસદણમાં ભાજપના બે ઉમેદવાર બિનહરીફ થયા છે જેમાં વોર્ડ નંબર 1ના રમાબેન બાબુભાઈ મકવાણા અને વોર્ડ નંબર 6માંથી કુસુમબેન રાજેશભાઈ દાવડા બિન હરીફ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર-1માં કોંગ્રેસ તરફથી પછાત વર્ગ અનામત મહિલામાં ઉમેદવારી ફોર્મ ભર્યું ન હતું જેથી રમાબેન બાબુભાઈ મકવાણા બિન હરીફ થયા છે. અને વોર્ડ નંબર 6માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પછાત વર્ગ અનામત મહિલાના ફોર્મ પરત ખેંચાતા વોર્ડ નંબર 6ના ભાજપના મહિલા ઉમેદવાર કુસુમબેન રાજેશભાઈ દાવડા બિનહરીફ થયા છે.

ભાયાવદરમાં કુલ 68 ઉમેદવારો

રાજકોટ જિલ્લાની ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 6 વોર્ડની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે જેમાં મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 24 બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ મળી કુલ 68 ઉમેદવારો મેદાનમા છે. ઉલ્લેખનીય છે કે ભાયાવદરમાં એક પણ બેઠક બિનહરીફ થઇ શકી નથી.

મતદાન પહેલા ભાજપે ખાતું ખોલી 5 બેઠકો બિનહરીફ મેળવી

રાજકોટની ઉપલેટા નગરપાલિકા ચુંટણીમાં મતદાન પહેલા ભાજપે ખાતું ખોલી 5 બેઠકો બિનહરીફ મેળવી લીધી છે જેમાં ઉપલેટા વોર્ડ 3 માં પછાત વર્ગની સ્ત્રી બેઠક બિનહરીફ તેમજ વોર્ડ નંબર 6ની તમામ ચારેય બેઠકો બિનહરીફ વિજેતા જાહેર થયેલ છે. મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસમાં કુલ 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધા હતા જેથી હવે ઉપલેટા નગરપાલિકામાં 87 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે હવે ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નંબર 6ને બાદ કરતાં તમામ વોર્ડમાં આગામી તારીખ 16 ફેબ્રુઆરીના મતદાન પ્રક્રિયા યોજાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button