રાજકોટ ક્રાઈમ કેપિટલ? 5 દિવસમાં 6 હત્યાના બનાવ વચ્ચે જામનગર રોડ પર યુવકને છરીના 12 ઘા ઝીંકી રહેંસી નંખાયો.

રાજકોટ: સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ જાણે ક્રાઇમનું કેપિટલ હબ બની ગયું હોય તેમ શહેરમાં 5 દિવસમાં 6 જેટલી હત્યાના બનાવોથી ચકચાર મચી જવા પામી છે. શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તાર નજીક હત્યાનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. ઘંટેશ્વર ક્વાર્ટર નંબરમાં રહેતા કાળુભાઈ ચુનીભાઈ સોલંકી (ઉં.વ. 40)એ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના નાના ભાઈ વિજય ઉર્ફે ભાદો સોલંકી (ઉં.વ. 35) ની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, કાળુભાઈ બપોર બાદ પોતાના ઘરે હતા ત્યારે સાંજે આશરે છ વાગ્યે તેમના કાકા લક્ષ્મણભાઈ મનજીભાઈ સોલંકીનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું કે વિજય જામનગર રોડ પર આવેલ મેલડી સરકાર ટી-સ્ટોલની સામે જમીન પર લોહીલુહાણ હાલતમાં પડ્યો છે. કાળુભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં લોકોનું ટોળું વળેલું હતું અને તેમના કાકા લક્ષ્મણભાઈએ રડતાં રડતાં જણાવ્યું કે, સુમિત્રાના પતિ ધર્મેશ ઉર્ફે ધમો ગાયજન (રહે. ઘંટેશ્વર) એ અગાઉના ચોરી બાબતના ઝઘડાનો ખાર રાખી વિજયની છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી.
કાળુભાઈએ જોયું કે તેમના નાના ભાઈ વિજયના ગળાના ભાગે, માથાના ભાગે, બંને હાથો પર અને પેટના અલગ-અલગ ભાગે છરીના આશરે દસથી બાર ઘા વાગેલા હતા. લક્ષ્મણભાઈએ જણાવ્યું કે, સાંજે 5:30 વાગ્યા આસપાસ તેમના નાના દીકરાને દુકાને મોકલ્યો હતો, જેને રસ્તામાં સુમિત્રાબેન મળ્યા હતા અને તેમણે કહ્યું હતું કે “ધર્મેશે વિજયને છરીના ઘા ઝીંકી દીધા છે.” ઘટનાની જાણ થતાં મૃતક વિજયના પત્ની, માતા હુંસાબેન, અન્ય ભાઈઓ દિલીપ, રાજુ અને સગા-સંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ત્યારબાદ શબવાહિની મારફતે વિજયને સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ઇમરજન્સી વોર્ડના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. ફરિયાદના આધારે, ધર્મેશ ઉર્ફે ધમો ગાયજન વિરુદ્ધ અગાઉના ચોરી બાબતના ઝઘડાનો ખાર રાખી, છરી વડે જીવલેણ હુમલો કરી મોત નિપજાવવા બદલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો…રાજકોટમાં ભાઈબીજના દિવસે બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો! ૨૪૪ ગ્રામ સોના સહિત લાખોની રોકડની ચોરી…



