રાજકોટ

રાજકોટ ફરી થયું રક્તરંજિત, પત્ની અને પુત્રોએ મળીને ઘરના મોભીને રહેંસી નાંખ્યો

રાજકોટઃ રંગીલા રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા ક્વાર્ટર્સમાં સામાન્ય ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્ની અને પુત્રોએ મળીને ઘરના મોભીની જ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. ભક્તિનગર પોલીસે આ મામલે મૃતકની પત્ની અને બંને પુત્રોને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા અને મોજાં વેચવાનો વ્યવસાય કરતા 40 વર્ષીય નરેશભાઈ નટુભાઈ વ્યાસ ગુરુવારે રાત્રે પોતાના ઘરે હતા. આ દરમિયાન તેમની પત્ની અને બે પુત્રો સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.

ઘરકંકાસ એટલી હદે વકર્યો હતો કે આવેશમાં આવીને નરેશભાઈ પર છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અને લોહીલુહાણ હાલતમાં પડેલા નરેશભાઈ માટે તાત્કાલિક 108 બોલાવવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

છરીનો ઘા કોણે માર્યો? તપાસ શરૂ

હત્યાના બનાવની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તેમજ ડીસીપી અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળનું કારણ ઘરકંકાસ હોવાનું બહાર આવ્યું છે. મૃતક નરેશભાઈ અને તેમના પરિવારજનો વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર ઝઘડા થતા હતા. ગુરુવારે રાત્રે પણ ઝઘડા બાદ હત્યા કરવામાં આવી હતી. જોકે, હત્યામાં છરીનો ઘા કોણે માર્યો? પત્નીએ કે પુત્રોએ તે હજુ સ્પષ્ટ થયું નથી. ભક્તિનગર પોલીસે મૃતકના પત્ની અને બંને પુત્રોને પોલીસ સ્ટેશન લાવી આકરી પૂછપરછ શરૂ કરી છે, જે બાદ હત્યાની મુખ્ય ભૂમિકા કોની હતી તે સ્પષ્ટ થશે.

પતિએ પત્નીને ગોળી મારી કરી હતી આત્મહત્યા

થોડા દિવસ પહેલા રાજકોટમાં પતિએ પહેલા પત્નીને ગોળી અને બાદમાં પોતાને પણ ગોળી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પત્નીના ભત્રીજા સાથે આડા સંબંધના કારણે આ ખુની ખેલ ખેલાયો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button