Rajkot કોર્પોરેશને જન્મ મરણના દાખલા ફીમાં કરેલા વધારાનો કોંગ્રેસે વિરોધ કર્યો, કરી આ માગ

રાજકોટ : ગુજરાતની રાજકોટ(Rajkot) મહાનગરપાલિકા સહિત તમામ મહાનગર પાલિકામા મંગળવારથી જન્મ મરણના દાખલા ફી માં વધારાનો અમલ કરવામાં આવશે. જેનો રાજકોટ શહેર કોંગ્રેસે વિરોધ કર્યો છે. આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ અને કોર્પોરેશનના વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પ્રસિદ્ધ કરેલા જાહેર નામાનો મંગળવારથી અમલ થશે તેનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.
આ પણ વાંચો: આ છે રાજકોટનું ‘આંતરરાષ્ટ્રીય’ એરપોર્ટઃ જ્યાંથી દોઢ વર્ષ પછી પણ એકેય ફ્લાઈટ વિદેશ જતી-આવતી નથી!
કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો
જેમાં જન્મ મરણના દાખલા ફી માટે 10 ગણો વધારો કર્યો છે. જન્મના 5ના રૂપિયા 50 પડાવવામાં આવશે. મૃત્યુ નોંધના દાખલાની 1 નકલ નિઃશુલ્ક હોવી જોઈએ પરંતુ આમાં તો 1 નકલના રૂપિયા 50 આપવા પડશે. તેમજ મોડી નોંધણી જુના રેકોર્ડ શોધવા દાખલા મેળવવા દંડ સહિતની ફી માં વધારો અમલી બનશે. જેનો કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો છે.
મોડી નોંધણી ફીમાં પણ વધારો
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ જાહેર કરેલી વિગતો મુજબ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ 2025 અમલમાં લાવવા અને 27/2/2025 ના રાજ્ય સરકારના રાજ્ય પત્રમાં પ્રસિદ્ધ કરેલ છે. મોડી નોંધણીમાં પણ રૂપિયા 2 લેવાતી ફી અગાઉ હવે થી રૂપિયા 20 લેવામાં આવશે.
રેકોર્ડ શોધવા-દાખલાની ફી નોર્મલ રાખવા માગ
રેકોર્ડ શોધવા-દાખલાની ફી ખરેખર નોર્મલ જ હોવી જોઈએ જે અગાઉ રૂપિયા 2 લેવામાં આવતી હતી તે રૂપિયા 20 લેવામાં આવશે. ખરેખર રેકોર્ડ શોધવા માટે તો તગડો પગાર મેળવતા સરકારી કર્મચારીની જવાબદારી બને છે તો કોઈપણ જાતની ફી ન હોવી જોઈએ અને હોય તો તે જૂની ફી મુજબ જ લેવી જોઈએ.
પ્રજાને લૂંટવાનો પીળો પરવાનો મળી ગયો
આ અંગે કોંગ્રેસ નેતાઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને જન્મ મરણ નોંધણી અંગે દુકાન જાણે કે ચાલુ કરી દીધી હોય એ રીતે ફી વધારો ઠોકી બેસાડવામાં આવેલ છે. તોતિંગ ફી વધારા સામે મોંઘવારી સામે કે એસ.ટીના ભાડા વધારા અંગે શાસક પક્ષના ધારાસભ્યોની બોલતી બંધ થઈ ગઈ છે. પ્રજાને લૂંટવાનો પીળો પરવાનો મળી ગયો હોય તે રીતે છાશવારે લોકો ઉપર ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. સીંગતેલમાં 25 પૈસા જ્યારે વધતા ત્યારે તાળાબંધી કરનારા શાસકો આ પ્રકારના ભાડા વધારા અંગે ચૂપકીદી સાધી લીધી છે. સબકા સાથ સબકા વિકાસ નું સુત્રનું સૂરસુરીયુ થઈ ગયું તેમ લાગે છે.